રાજકોટના ઢેબર રોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાનના ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી ઓસ્ટ્રેલિયાની 20 દિવસની સત્સંગયાત્રા પૂર્ણ કરીને રાજકોટ પરત ફર્યા છે. ગુરુકુળ પહોંચતાં સંતો અને વિદ્યાર્થીઓએ બેન્ડ સાથે તેમનું સ્વાગત કર્યું. આ પ્રસંગે પુષ્પવૃષ્ટિ પણ કરવામાં આવી હતી.

યાત્રા દરમિયાન સ્વામીજી અને સંતમંડળે મેલબોર્નના 25 એકરના કેમ્પસમાં પાંચ દિવસીય જ્ઞાનસત્ર યોજ્યું હતું. સાથે બાળ સંસ્કાર શિબિર અને બિઝનેસ સમિટનું પણ આયોજન કરાયું હતું. સંતોએ ભક્તોનાં 75 ઘરે પધરામણી કરી કથા અને સત્સંગ કરાવ્યો હતો. ત્યાં મોટી સંખ્યામાં યુવાનો તેમજ વસવાટ કરતા ભારતીયો જોડાયા હતા. આ કાર્યક્રમો દરમિયાન કેટલાક યુવાનોએ નિર્વ્યસની અને આદર્શ જીવન જીવવાના નિયમો તથા શપથ સ્વીકાર્યા હતા.

યુવાનોને ધર્મ અને વિજ્ઞાન સાથે આગળ વધવાનો સંદેશ

રાજકોટ ગુરુકુળમાં યોજાયેલી સ્વાગત સભામાં દેવકૃષ્ણદાસજી સ્વામીએ યુવાનોને ધર્મના મૂલ્યો જાળવીને વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ પ્રગતિ કરવાની તક આપવાની વાત કરી હતી. વિદેશમાં રહેતા યુવાનો સંતોના સંપર્કમાં રહી ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યો જાળવી શકે છે અને વ્યસનથી દૂર રહી માતા-પિતા તથા દેશ પ્રત્યે વફાદાર રહી શકે છે, એવો સંદેશ પણ તેમણે આપ્યો હતો.

પ્રવાસ દરમિયાન નિયમપાલન

ગુરુકુળમાં જણાવ્યા મુજબ, આશ્રમની બહાર નીકળ્યા પછી વાહનમાં જળપાન ન કરવાનો નિયમ સંતો પાળે છે. ઓસ્ટ્રેલિયાથી પરત ફરતી વખતે પ્રવાસનો સમય આશરે 18થી 20 કલાક થયો હતો. 80 વર્ષની ઉંમરે પણ દેવકૃષ્ણદાસજી સ્વામીએ આ નિયમ પાળ્યો હતો અને ગુરુકુળ પહોંચ્યા બાદ સ્નાનાદિ ક્રિયા પૂર્ણ કરીને જ જળપાન કર્યું હતું. તેમની યાત્રા પૂર્ણ થયા બાદ ગુરુકુળમાં સ્વાગત સભાનું આયોજન કરાયું હતું.