ભુજના મિરઝાપર રોડ પર માતાના મઢ તરફ પદયાત્રા કરીને જતા માઈભક્તો માટે ‘માં આશાપુરા સેવા સંકલ્પ’ પદયાત્રી સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. આસો નવરાત્રી દરમિયાન માતાના મઢ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચતા હોય છે ત્યારે પદયાત્રિકોને માર્ગમાં જરૂરી સુવિધા મળી રહે તે હેતુથી કેમ્પનું આયોજન કરાયું છે.

સાંસદ વિનોદભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા આ કેમ્પમાં પરંપરાગત ભોજન ઉપરાંત મિલેટ આધારિત પૌષ્ટિક ખોરાકની વ્યવસ્થા કરવામાં આવી છે. લાંબી પદયાત્રા કરતા ભક્તોને ઊર્જા અને પોષણ મળી રહે તે માટે મિલેટ ફૂડને વિશેષ પ્રાધાન્ય અપાયું છે.

પદયાત્રિકો માટે આરામ અને આરોગ્યસેવા

કેમ્પમાં મેડિકલ સેવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પદયાત્રા દરમિયાન કોઈ ભક્તને તબિયત સંબંધિત તકલીફ થાય તો તેમને તાત્કાલિક પ્રાથમિક મદદ મળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. દૂરથી આવતા શ્રદ્ધાળુઓ માટે રાત્રિ રોકાણની સુવિધા પણ રાખવામાં આવી છે.

ગુજરાતના વિવિધ શહેરો ઉપરાંત મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાંથી ભક્તો માતાના મઢ તરફ પદયાત્રા કરીને આવે છે. જામનગર, રાજકોટ, ભાવનગર અને મુંબઈ તરફથી આવતા માઈભક્તો લાંબી યાત્રા કરીને કચ્છમાં પ્રવેશ કરે છે. આવા પદયાત્રિકોને માર્ગમાં આરામ, ભોજન અને આરોગ્યસેવા મળી રહે તે માટે કેમ્પ કાર્યરત કરાયો છે.

સાંસદની સલામતી અંગે અપીલ

કેમ્પના પ્રારંભ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ પદયાત્રિકોને માર્ગસલામતીનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરી હતી. તેમણે પદયાત્રા દરમિયાન રસ્તાની સલામત બાજુએ ચાલવા અને મોબાઈલ, રોકડ સહિતની કિંમતી વસ્તુઓની સુરક્ષા જાળવવા જણાવ્યું હતું.

આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિત આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ પદયાત્રિકોને શુભેચ્છા પાઠવી હતી અને તેમની માતાના મઢ સુધીની યાત્રા સલામત તથા સફળ રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.