પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ જણાવ્યું છે કે રાજ્યમાં આગામી છ મહિનામાં ‘લવ જેહાદ’ અને ‘લેન્ડ જેહાદ’ વિરુદ્ધ કડક કાયદા લાવવામાં આવશે. તેમણે પશ્ચિમ બંગાળમાં ઉત્તરાખંડ અને ગુજરાતની જેમ સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવાની વાત પણ કરી છે.
કોલકાતામાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના પૂર્વ અધ્યક્ષ અશોક સિંઘલની જન્મશતાબ્દી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં અધિકારીએ આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે તેમની સરકાર બંધારણના દાયરામાં રહીને કામ કરશે, પરંતુ ભારતીય સંસ્કૃતિ, સનાતન પરંપરાઓ, મંદિરો, મઠો અને પૂજાસ્થળો પરના હુમલા સહન કરવામાં નહીં આવે.
અધિકારીએ લોકોને એકતાથી રહેવા અને વિભાજનકારી શક્તિઓથી સાવચેત રહેવાની અપીલ કરી. તેમણે સરકાર કોઈપણ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિને મંજૂરી નહીં આપે તેવી વાત પણ કરી હતી.
UCCના મુસદ્દા માટે સમિતિની રચના
મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળ સરકારે UCCનો મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમિતિ બનાવી છે. પ્રસ્તાવિત UCCમાં વિવિધ સમુદાયો માટે લગ્ન, છૂટાછેડા, વારસો અને દત્તક લેવાની બાબતોને લગતા નાગરિક કાયદાઓ એકસમાન બનાવવાનો હેતુ છે.
2026ની વિધાનસભા ચૂંટણી પહેલાં BJPએ પશ્ચિમ બંગાળમાં UCC લાગુ કરવાનું પોતાના મુખ્ય ચૂંટણી વચનોમાં સામેલ કર્યું હતું. અધિકારીએ અગાઉ પણ જણાવ્યું હતું કે આ પ્રક્રિયામાં કાયદાકીય અને બંધારણીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે.
ધાર્મિક પ્રવાસન સર્કિટ માટે ₹1,000 કરોડ
અધિકારીએ પ્રસ્તાવિત ધાર્મિક પ્રવાસન સર્કિટ અંગે જણાવ્યું કે આ પ્રોજેક્ટ બે વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. તેના માટે ₹1,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમણે આ યોજનાને સફળ બનાવવા લોકોના સૂચનો અને સહકારની જરૂરિયાત વ્યક્ત કરી.
કાર્યક્રમમાં તેમણે અગાઉની TMC સરકાર પર હિંદુ ભાવનાઓ, સંગઠનો, દેવી-દેવતાઓ અને પરંપરાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂક્યો. તેમણે પોતાના વિદ્યાર્થીકાળ દરમિયાન રામ જન્મભૂમિ આંદોલનમાં સ્વયંસેવક તરીકે જોડાવાની વાત પણ યાદ કરી અને 2021થી 2026 દરમિયાન વિપક્ષના નેતા તરીકે હિંદુઓ પર થયેલા કથિત અત્યાચાર વિરુદ્ધ પ્રદર્શન કર્યાનો દાવો કર્યો.
હનુમાન ચાલીસા અને ગીતા પાઠના કાર્યક્રમો
મુખ્યમંત્રીએ જણાવ્યું કે નવેમ્બરમાં નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં 20 હજાર લોકો હનુમાન ચાલીસાનું સામૂહિક પઠન કરશે. 29 ડિસેમ્બરે 10 લાખ લોકો દ્વારા ગીતા પાઠનું આયોજન કરવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે આગામી વર્ષે યોજાનારા ગંગાસાગર મેળાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. મેળામાં આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ પૂરી પાડવાની યોજના હોવાનું તેમણે જણાવ્યું.
