દેશના ચાર રાજ્યો પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ અને પુડુચેરીમાં મંગળવાર, 6 ઓક્ટોબરે પેટાચૂંટણી યોજાશે. પશ્ચિમ બંગાળની નંદીગ્રામ અને રેજીનગર વિધાનસભા બેઠકો પર થનારા મતદાન પર સૌથી વધુ રાજકીય નજર છે. આ ચૂંટણીમાં મમતા બેનર્જી ન તો મુખ્યમંત્રી છે, ન ધારાસભ્ય અને ન ઉમેદવાર. ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ તમામ બેઠકોની મતગણતરી 9 ઓક્ટોબરે થશે.

મમતા બેનર્જીની પાર્ટી પશ્ચિમ બંગાળની સત્તાથી બહાર થયા બાદ આ પેટાચૂંટણીનું રાજકીય મહત્વ વધી ગયું છે. અગાઉ એવી ચર્ચા હતી કે મમતા બેનર્જી નંદીગ્રામથી ફરી ચૂંટણી લડી શકે છે. જોકે તેમની પાર્ટીએ સંચિતા પ્રધાન ડેને ઉમેદવાર બનાવ્યા હતા. સંચિતા પ્રધાને ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ મમતા સમર્થિત જૂથે કોંગ્રેસના મિલન પ્રધાનને ટેકો આપ્યો છે. અહેવાલો અનુસાર મિલન પ્રધાન જૂના કેસમાં ધરપકડ બાદ હાલમાં જામીન પર છે.

નંદીગ્રામમાં ભાજપ સામે મમતા સમર્થિત કોંગ્રેસ ઉમેદવાર

નંદીગ્રામમાં ભાજપે ચંદ્રનાથ રથની માતાને ઉમેદવાર બનાવ્યા છે. ચંદ્રનાથ રથ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના નજીકના સહયોગી રહી ચૂક્યા હતા અને 6 મે 2026ના રોજ તેમની હત્યા થઈ હતી. આ કારણે બેઠક પરનો મુકાબલો માત્ર પક્ષીય ચૂંટણી નહીં, પરંતુ સ્થાનિક રાજકીય પ્રભાવ અને સહાનુભૂતિના મુદ્દા સાથે પણ જોડાયો છે.

નંદીગ્રામ લાંબા સમયથી તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચેના રાજકીય સંઘર્ષનું કેન્દ્ર રહ્યું છે. 2007ના જમીન અધિગ્રહણ વિરોધી આંદોલને મમતા બેનર્જી અને TMCને 2011માં પશ્ચિમ બંગાળમાં સત્તા સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 2021માં મમતા બેનર્જી અહીંથી શુભેન્દુ અધિકારી સામે ચૂંટણી લડી હતી, પરંતુ પરાજિત થઈ હતી.

2026ની વિધાનસભા ચૂંટણીમાં શુભેન્દુ અધિકારીએ નંદીગ્રામ ઉપરાંત ભવાનીપુર બેઠક પરથી પણ ચૂંટણી લડી અને બંને બેઠકો જીતી હતી. ભવાનીપુરમાં તેમણે મમતા બેનર્જીને 15,105 મતથી હરાવ્યા હતા. અધિકારીને 73,917 મત મળ્યા હતા, જ્યારે મમતા બેનર્જીને 58,812 મત મળ્યા હતા. નંદીગ્રામ બેઠક ખાલી થતાં હવે પેટાચૂંટણી યોજાઈ રહી છે.

રેજીનગરમાં બહુકોણીય મુકાબલો

મુર્શિદાબાદ જિલ્લાની રેજીનગર બેઠક પર ભાજપ, કોંગ્રેસ, TMCના બંને જૂથો, CPI(M) અને જનતા ઉન્નયન પાર્ટી (AJUP)ના ઉમેદવારો મેદાનમાં છે. બેઠક મુસ્લિમ બહુમતી ધરાવે છે. ભાજપના શંકરાવ સરકાર સિવાયના મુખ્ય ઉમેદવારો મુસ્લિમ છે.

કોંગ્રેસે મોહમ્મદ અબ્દુલ્લાહિલ કાફીને, TMCએ રબીયુલ આલમ ચૌધરીને અને AJUPએ પાર્ટીના નેતા હૂમાયૂં કબીરના પુત્ર ગોલામ નબી આઝાદને ઉમેદવાર બનાવ્યા છે. હૂમાયૂં કબીરે પોલીસ તેમના કાર્યકરોની ધરપકડ કરી રહી હોવાનો અને પ્રચારમાં વિક્ષેપ પાડતી હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ પણ કરી છે. જોકે આ આરોપો અંગે પોલીસ અથવા ચૂંટણી પંચનો સત્તાવાર પ્રતિભાવ ઉપલબ્ધ નથી.

અન્ય ચાર બેઠકો પર પણ મતદાન

તમિલનાડુમાં મદુરાંતકમ અને ધારાપુરમ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. બંને બેઠકોના AIADMK ધારાસભ્યોએ રાજીનામું આપ્યા બાદ TVKમાં જોડાયા હતા. પુડુચેરીમાં મુખ્યમંત્રી એન. રંગાસામીએ બે બેઠકોમાંથી થટ્ટનચાવડી બેઠક ખાલી કરતાં ત્યાં મતદાન થશે.

આસામમાં નાગાંવ લોકસભા બેઠક પર પણ પેટાચૂંટણી યોજાશે. કોંગ્રેસના સાંસદ પ્રદ્યુત બોરદોલોઈએ રાજીનામું આપી ભાજપમાં જોડાયા બાદ આ બેઠક ખાલી થઈ હતી. ચૂંટણી પંચના કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને પુડુચેરીની પાંચ વિધાનસભા બેઠકો તથા આસામની એક લોકસભા બેઠકનો સમાવેશ થાય છે.

તમામ મતદાન મથકો પર EVM અને VVPATનો ઉપયોગ થશે. EPIC કાર્ડ મુખ્ય ઓળખ દસ્તાવેજ રહેશે. મતદારો આધાર કાર્ડ, PAN કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ સહિત ચૂંટણી પંચ દ્વારા માન્ય અન્ય દસ્તાવેજોનો પણ ઉપયોગ કરી શકશે.