ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના શિષ્ય રસિક દુલારી શરણના મૃત્યુના કેસમાં 5 ઑક્ટોબરે વધુ એક CCTV વીડિયો સામે આવ્યો છે. 33 સેકન્ડના આ વીડિયોમાં રસિક દુલારી શરણ સીડીઓ ચઢીને અગાસી તરફ જતા દેખાય છે. તેમના વસ્ત્રો પર લોહીના નિશાન દેખાય છે અને ચાલતી વખતે તેમને મુશ્કેલી પડી રહી હોય તેવું જણાય છે. આ વીડિયો 25 સપ્ટેમ્બરની સવારેનો હોવાનું રિપોર્ટ્સમાં જણાવાયું છે.
રસિક દુલારી શરણ 25 વર્ષના હતા. તેઓ વૃંદાવનના વારાહ ઘાટ વિસ્તારમાં આવેલી ચાર માળની ગુરુ કૃપા કુંજ ઇમારતમાં રહેતા હતા. 25 સપ્ટેમ્બરની સવારે તેઓ ઇમારતની અગાસી પરથી નીચે પડ્યા હતા. ગંભીર હાલતમાં તેમને સર્વોદય હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. ઉપલબ્ધ CCTV ફૂટેજના આધારે પોલીસે પ્રથમ દૃષ્ટિએ આ ઘટનાને જીવન ટૂંકાવવાની ઘટના માની તપાસ આગળ ધપાવી છે, જોકે તેની પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
ત્રણ CCTV ફૂટેજમાં શું દેખાય છે?
કેસ સાથે જોડાયેલા અગાઉના ફૂટેજમાં રસિક દુલારી શરણ અગાસીની બાઉન્ડ્રી વૉલ પાસે બેઠેલા દેખાયા હતા. થોડા સમય બાદ તેઓ જમીન પર સૂઈ જાય છે અને પછી અચાનક ઊભા થઈને નીચે જતા દેખાય છે. અન્ય એક ફૂટેજમાં તેઓ ઇમારતની ઊંચાઈ પરથી નીચે પડતા દેખાયા હતા. નવા વીડિયોમાં તેઓ સીડીઓ પરથી અગાસી તરફ જતા દેખાય છે. આ ત્રણેય ફૂટેજને આધારે પોલીસ ઘટના પહેલાંની તેમની હિલચાલ અને સમયક્રમની તપાસ કરી રહી છે.
પોલીસની તપાસ કયા મુદ્દાઓ પર?
રિપોર્ટ્સ મુજબ, રસિક દુલારી શરણ જે રૂમમાં રહેતા હતા ત્યાંથી એક ગ્રાઇન્ડર મળ્યો હતો. તેમના શરીર પર માથા, પગ અને કમર સહિત અનેક ઇજાના નિશાન હોવાનું પ્રારંભિક પોસ્ટમોર્ટમમાં જણાવાયું છે. શરીરના એક અંગ પર પણ ઇજાના નિશાન નોંધાયા હતા. જોકે તપાસ એજન્સીઓએ ઘટનાના કારણ અંગે અંતિમ નિષ્કર્ષ જાહેર કર્યો નથી. પોલીસ મોબાઇલ ફોન, CCTV ફૂટેજ અને અન્ય ઉપલબ્ધ પુરાવાની પણ તપાસ કરી રહી છે.
આ કેસમાં પ્રેમાનંદ મહારાજના કેલી કુંજ આશ્રમ સાથે જોડાયેલા 30થી વધુ લોકોની પૂછપરછ થઈ હોવાનું જણાવાયું છે. ગુરુ કૃપા કુંજ ઇમારતમાં આશ્રમ સાથે જોડાયેલા 50થી વધુ શિષ્યો અને સેવાદારો રહેતા હોવાનું પણ અહેવાલોમાં કહેવામાં આવ્યું છે.
રસિક દુલારી શરણ વિશે
રસિક દુલારી શરણનું મૂળ નામ દીપક લોધી હતું અને તેઓ મધ્ય પ્રદેશના જબલપુરના રહેવાસી હતા. આશરે બે વર્ષ પહેલાં તેમણે પ્રેમાનંદ મહારાજ પાસેથી દીક્ષા લીધી હતી. ત્યારબાદ તેઓ આશ્રમમાં વીજળી સંબંધિત સેવા સાથે જોડાયા હતા. 26 સપ્ટેમ્બરે યમુના કિનારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાની પૃષ્ઠભૂમિ અને કારણ અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.
