આંધ્ર પ્રદેશના વિજયવાડા નજીક વીટીપીએસની નહેરમાંથી મળેલા મહિલાના મૃતદેહની ઓળખ મોરનાં પીંછાના ટેટૂની મદદથી થઈ છે. પોલીસે કારી દુર્ગા ઉર્ફે કલ્યાણીની હત્યાના આરોપસર શફી નામના વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે આપેલી માહિતી મુજબ, કલ્યાણીના ચાર વર્ષના પુત્રને લઈને થયેલા પૈસાના વિવાદમાં આ હત્યા કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, 18 સપ્ટેમ્બરની સાંજે વીટીપીએસની નહેરમાં એક ધડ મળી આવ્યું હતું. બીજા દિવસે નહેર પરની જાળી પાસે શોધખોળ કરતાં એક હાથ અને બે પગ મળ્યા હતા. મૃતદેહ પર કપડાં હતાં, પરંતુ શરૂઆતમાં મહિલાની ઓળખ થઈ શકી નહોતી.

ટેટૂ અને કપડાંથી મળી ઓળખની કડી

મૃત મહિલાની ઓળખ માટે પોલીસે તેના કપડાં, પગની પાયલ, કાનની બુટ્ટી અને હાથ પરના ટેટૂના ફોટા લીધા. આ ફોટા સોશિયલ મીડિયા પર શેર કરીને ઓળખ માટે લોકોને અપીલ કરવામાં આવી હતી. કપડાં પરની બ્રાન્ડ અંગે પણ પોલીસે તપાસ કરી હતી.

પોલીસે જણાવ્યું કે સોશિયલ મીડિયા પરની પોસ્ટ જોયા બાદ કેટલાક લોકોએ મંગળાગિરી પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો હતો. ત્યાર બાદ કલ્યાણીના ભાઈએ પોલીસનો સંપર્ક કરીને હાથ પરનું ટેટૂ પોતાની બહેનનું હોવાનું જણાવ્યું. તેણે મૃતદેહ પરનાં કપડાં પણ પોતાની બહેનનાં હોવાની ઓળખ કરી હતી.

કલ્યાણીના ભાઈએ પોલીસને કહ્યું કે તેની બહેન સાથે એક અઠવાડિયાથી વાત થઈ નહોતી. પોલીસના ફોન બાદ તે તેના ઘરે ગયો હતો, પરંતુ ઘર બંધ હતું. આસપાસ પૂછપરછ કરતાં કલ્યાણી ત્રણ દિવસથી ઘરે આવી ન હોવાનું જાણવા મળ્યું હતું.

ફોન રેકૉર્ડની તપાસ બાદ શફી પર શંકા

ઓળખ થયા બાદ પોલીસે કલ્યાણીના ફોન નંબર અને કૉલ રેકૉર્ડની તપાસ શરૂ કરી. તે છેલ્લે કોની સાથે વાત કરતી હતી અને કોની સાથે વારંવાર સંપર્કમાં હતી, તેની માહિતી મેળવતાં શફી પર શંકા ગઈ હતી. ત્યાર બાદ તેની પૂછપરછ કરવામાં આવી.

પોલીસના જણાવ્યા અનુસાર, કલ્યાણીનું બાળપણ આશ્રમમાં પસાર થયું હતું. માતાના અવસાન બાદ કલ્યાણી અને તેમના ભાઈને ગન્નવરમ નજીકના એક આશ્રમમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આશરે 18 વર્ષની ઉંમર સુધી બંને ત્યાં રહ્યાં હતાં. ત્યાર બાદ કલ્યાણી મંગળાગિરીમાં રહેતાં હતાં અને અલગ અલગ હોટેલોમાં કામ કરતાં હતાં.

કલ્યાણીના એક પુત્રના પિતા સાથે મતભેદ થયા બાદ તેઓ અલગ રહેતાં હતાં. પોલીસના જણાવ્યા પ્રમાણે, શફી બાળકના પિતાનો સગો હતો અને તેણે બાળકને અનૌપચારિક રીતે દત્તક લીધું હતું. શફીને પહેલેથી ત્રણ દીકરીઓ હતી અને તેને પુત્ર જોઈતો હોવાથી તેણે કલ્યાણીના બાળકને પોતાની સાથે રાખ્યો હતો.

બાળકને લઈને પૈસાની માગણીનો પોલીસનો દાવો

પોલીસે જણાવ્યું કે બાળકને દત્તક લેતી વખતે શફીએ કલ્યાણીને એક લાખ રૂપિયા આપ્યા હતા. ત્યાર બાદ પણ કલ્યાણી વધુ પૈસાની માગણી કરતી હતી અને પૈસા નહીં આપે તો બાળકને પાછું લઈ જવાની ધમકી આપતી હતી, એવો પોલીસનો દાવો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, 17 સપ્ટેમ્બરે શફીએ પોતાની પત્ની અને બાળકોને ગુંટુરમાં સગાંના ઘરે મોકલ્યાં હતાં. ત્યાર બાદ તેણે કલ્યાણીને ઘરે બોલાવી હતી. વાતચીત બાદ તેણે કલ્યાણી પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. પોલીસે કહ્યું કે ત્યાર બાદ મૃતદેહના અવશેષોને બે તબક્કામાં મોટરસાઇકલ પર લઈ જઈ વીટીપીએસની નહેરમાં ફેંકવામાં આવ્યા હતા. આ કામમાં દુર્ગારાવ ઉર્ફે અબ્દુલ્લા નામનો સહકર્મી સામેલ હોવાનો પણ પોલીસનો દાવો છે. અબ્દુલ્લા ફરાર છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, ચાર વર્ષના બાળકને કાયદેસર રીતે દત્તક લેવામાં આવ્યો નહોતો. હવે કાયદાકીય સલાહ લીધા બાદ બાળકને બાળસુધારગૃહમાં રાખવાની કાર્યવાહી કરવામાં આવશે. કેસમાં પોલીસની તપાસ ચાલુ છે.