નવી દિલ્હી: સંઘ લોક સેવા આયોગ (UPSC)ના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું કે વિકસિત ભારત માટે જરૂરી ગવર્નન્સ ઊભું કરવામાં UPSCની મહત્વપૂર્ણ ભૂમિકા છે. તેમણે કહ્યું કે જાહેર સેવાઓમાં ભરતી થનારા યુવાનો માટે બે મૂળભૂત કસોટીઓ હંમેશાં ધ્યાનમાં રાખવી જોઈએ—‘નેશન ફર્સ્ટ’ અને ‘સિટિઝન્સ ફર્સ્ટ’. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું કે જાહેર સેવા માટે પસંદ થનારા ઉમેદવારોમાં રાષ્ટ્રીય હિત અને નાગરિક સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા હોવી જરૂરી છે.

નવી દિલ્હીના ભારત મંડપમમાં યોજાયેલા શતાબ્દી સમારોહ દરમિયાન મોદીએ UPSCના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સ્મારક સિક્કો અને વિશેષ ટપાલ ટિકિટ બહાર પાડી. આ પ્રસંગે ‘100 Landmark Judgements—Shaping the Policies of UPSC and Public Service Commissions in India’ નામનું પુસ્તક પણ જાહેર કરવામાં આવ્યું. આ કાર્યક્રમ વર્ષભર ચાલેલા શતાબ્દી સમારોહનો સમાપન પ્રસંગ હતો. UPSCનો બે દિવસીય કાર્યક્રમ 30 સપ્ટેમ્બર અને 1 ઑક્ટોબર 2026ના રોજ યોજાયો હતો.

‘નેશન ફર્સ્ટ’ અને ‘સિટિઝન્સ ફર્સ્ટ’ પર ભાર

વડાપ્રધાને કહ્યું કે આજે ભરતી થનારા યુવાનો વિકસિત ભારતના નિર્માણમાં સીધી ભૂમિકા ભજવશે. તેથી ઉમેદવારોનું મૂલ્યાંકન માત્ર તેમની માહિતી અને પરીક્ષાકીય જ્ઞાનના આધારે ન થવું જોઈએ, પરંતુ તેઓ જાહેર સેવામાં શા માટે જોડાવા માગે છે અને તેમની નાગરિક પ્રત્યેની દૃષ્ટિ શું છે, તે પણ સમજવું જોઈએ.

મોદીએ 21મી સદીના ભારતની કાર્યસંસ્કૃતિના ત્રણ આધારસ્તંભ ગણાવ્યા—પ્રો-પીપલ, પ્રો-એક્ટિવ અને ગુડ ગવર્નન્સ. તેમના જણાવ્યા અનુસાર પ્રો-પીપલનો અર્થ નાગરિકના હિતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી, જ્યારે પ્રો-એક્ટિવ ગવર્નન્સનો અર્થ સમસ્યા ઊભી થયા પછી પગલાં લેવાને બદલે તેના સંભવિત ઉકેલ માટે પહેલેથી તૈયારી રાખવી. ગુડ ગવર્નન્સમાં સરકારની અનાવશ્યક દખલ, દબાણ અને પ્રભાવથી મુક્ત વ્યવસ્થાનો સમાવેશ થાય છે.

વડાપ્રધાને ‘નાગરિક દેવો ભવઃ’નો ઉલ્લેખ કરતાં કહ્યું કે નાગરિક સેવા સરકાર માટે સર્વોચ્ચ હોવી જોઈએ. તેમણે UPSC અને રાજ્ય લોક સેવા આયોગોની આંતરિક ક્ષમતા વધારવાની જરૂરિયાત પણ વ્યક્ત કરી. મિશન કર્મયોગી હેઠળના iGOT પ્લેટફોર્મનો ઉપયોગ આયોગોની આંતરિક પ્રક્રિયા, કર્મચારીઓની તાલીમ અને ક્ષમતાવર્ધન માટે કરી શકાય છે, એમ તેમણે જણાવ્યું.

પરીક્ષામાં વિલંબ યુવાનો માટે મુશ્કેલીરૂપ

મોદીએ કહ્યું કે પરીક્ષા યોજતી સંસ્થાઓએ બદલાતા સમય સાથે જરૂરી સુધારા અપનાવવા જોઈએ. પરીક્ષા માત્ર એક વહીવટી કાર્યક્રમ નથી, કારણ કે તેની સીધી અસર લાખો યુવાનોના ભવિષ્ય પર પડે છે. પરીક્ષા પ્રક્રિયામાં થોડા મહિનાનો વિલંબ પણ ઉમેદવારો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. તેથી પરીક્ષાઓ સમયસર યોજવી અને સમગ્ર પ્રક્રિયાને વિશ્વસનીય રાખવી જરૂરી છે.

પ્રધાનમંત્રીએ UPSCની લાંબી સંસ્થાકીય યાત્રાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે 100 વર્ષ દરમિયાન પેઢીઓ, સરકારો, ટેક્નોલોજી અને અભ્યાસક્રમોમાં ફેરફાર થયો છે, પરંતુ સંસ્થા પ્રત્યેનો લોકોનો વિશ્વાસ યથાવત્ રહ્યો છે. તેમણે UPSCની સ્વતંત્રતા, નિષ્પક્ષતા, મેરિટ, ગોપનીયતા અને પારદર્શક પ્રક્રિયાઓને તેની મૂળ ઓળખ ગણાવી અને ભવિષ્યમાં પણ આ મૂલ્યો સાથે કોઈ સમાધાન ન થાય તેવો ભાર મૂક્યો.

સુભાષચંદ્ર બોઝ અને કેપ્ટન સ્મિત મચ્છરનો ઉલ્લેખ

સમારોહ દરમિયાન મોદીએ UPSCના ઐતિહાસિક વારસાની ચર્ચા કરતાં સુભાષચંદ્ર બોઝનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે 1920માં ICSની પ્રક્રિયામાંથી પસાર થતા સુભાષચંદ્ર બોઝે સંસ્કૃતનું પેપર લખ્યું હતું.

વડાપ્રધાને તાજેતરની એક ફ્લાઇટ ઘટનામાં હિંમત દર્શાવનાર ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છરનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કેપ્ટન સ્મિતની હિંમતની પ્રશંસા કરી અને કહ્યું કે દેશ તેમના સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યો છે.

UPSCની પરીક્ષા પ્રક્રિયા કેવી રીતે થાય છે

UPSC બંધારણના અનુચ્છેદ 315 હેઠળ રચાયેલી બંધારણીય સંસ્થા છે. પરીક્ષાના પ્રશ્નો તૈયાર કરવા માટે અનેક નિષ્ણાતોની મદદ લેવામાં આવે છે. ઉત્તરવહીઓમાં કોડિંગની વ્યવસ્થા રહેતી હોવાથી મૂલ્યાંકન દરમિયાન પરીક્ષકને ઉમેદવારનું નામ અને રોલ નંબરની સીધી માહિતી મળતી નથી. ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં પણ ઉમેદવારની વ્યક્તિગત માહિતી મર્યાદિત રાખવામાં આવે છે.

શતાબ્દી કાર્યક્રમમાં રાજ્ય લોક સેવા આયોગોના અધ્યક્ષો અને સભ્યો, કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ, શિક્ષણવિદો, UPSCના અધિકારીઓ અને અન્ય નિષ્ણાતોએ ભાગ લીધો હતો. પ્રથમ દિવસે ‘શતાબ્દી સમારોહ—મંથન’ હેઠળ વિવિધ વિષયો પર ભાષણો અને પેનલ ચર્ચાઓ યોજાઈ હતી.