મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં 2028ના સિંહસ્થ કુંભની તૈયારીઓ હેઠળ રસ્તો પહોળો કરવાની કામગીરીને લઈને શાહી મસ્જિદનો એક ભાગ હટાવવાનો વિવાદ થયો છે. 28 સપ્ટેમ્બરે છત્રી ચોક વિસ્તારમાં કાર્યવાહી દરમિયાન લોકો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. સ્થિતિ કાબૂમાં લેવા પોલીસે ટિયર ગૅસના ગોળા છોડ્યા હતા અને વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
આ વિવાદ આખી મસ્જિદ હટાવવાનો નથી. વહીવટી તંત્રના માસ્ટર પ્લાન મુજબ રસ્તો 15 મીટર પહોળો કરવાનો છે અને આ નક્કી કરાયેલી હદમાં મસ્જિદનો માત્ર એક ભાગ આવી રહ્યો છે. વહીવટી તંત્ર અને મસ્જિદ કમિટી વચ્ચેની વાતચીત બાદ અસરગ્રસ્ત આશરે 3 ફૂટનો ભાગ જાતે હટાવવાની સંમતિ થઈ હતી. જોકે, ત્યારબાદ મસ્જિદની આસપાસ લોકો એકઠા થતાં પોલીસ સાથે ફરી તણાવ સર્જાયો હતો.
1390ના દસ્તાવેજમાં મસ્જિદનો ઉલ્લેખ
મસ્જિદના ઇતિહાસ સાથે જોડાયેલા વકફ બોર્ડના એક દસ્તાવેજમાં તેનું બાંધકામ વર્ષ 1390 નોંધવામાં આવ્યું છે. તેમાં મસ્જિદનું નામ ‘શાહી મસ્જિદ’ તરીકે લખાયું છે અને બાંધકામ મુસ્લિમ સમુદાયના લોકોના સહયોગ અને ફાળાથી થયું હોવાનું જણાવાયું છે. આ નોંધને આધારે મસ્જિદનો ઇતિહાસ આશરે 636 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે.
ઇન્દોરના ઇતિહાસકાર અને સંરક્ષણ નિષ્ણાત ઝફર અન્સારી શાહી મસ્જિદને મુઘલ કાળ પહેલાંના માળવા પ્રદેશના સલ્તનતકાળ સાથે જોડે છે. તેમના જણાવ્યા મુજબ, મસ્જિદની વાસ્તુકળા, મિનારા અને બાંધકામની શૈલી માંડુ તથા ચંદેરી વિસ્તારની સલ્તનતકાળની ઇમારતો સાથે મળતી આવે છે. જોકે, આ ઐતિહાસિક જોડાણ અંગે ઉપલબ્ધ દસ્તાવેજો અને સ્થાપત્યના આધારે જ ચર્ચા કરવામાં આવે છે.
1925ના પત્રમાં ‘મોચિયાનની મસ્જિદ’નો ઉલ્લેખ
મસ્જિદ કમિટીએ કોર્ટમાં રજૂ કરેલા દસ્તાવેજોમાં 1925નો એક પત્ર પણ સામેલ છે. ગ્વાલિયર સ્ટેટના ટાઉન ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટના ચૅરમૅને લખેલા આ પત્રમાં મસ્જિદને ‘મોચિયાનની મસ્જિદ’ તરીકે ઓળખાવવામાં આવી છે.
પત્રમાં ચોક અને રસ્તાની વ્યવસ્થા સુધારવા માટે મસ્જિદ સાથે જોડાયેલી કેટલીક જમીન લેવાની વાત છે. તેમાં ‘ખાસ મસ્જિદને બાદ કરતાં’ તેની સાથે જોડાયેલી કેટલીક ‘આરાજી’ લેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ‘આરાજી’નો અર્થ જમીન, જમીનનો ટુકડો અથવા ભૂખંડ થાય છે.
આ દસ્તાવેજમાં તે સમયની મસ્જિદની સ્થિતિ પણ દર્શાવવામાં આવી છે. તેમાં મસ્જિદમાં મિનારા ન હોવાનું અને દરવાજા તથા આંગણાની દીવાલ સુધારવાની જરૂરિયાતનો ઉલ્લેખ છે. સાથે જ મિનારા બનાવવાની વાત પણ કરવામાં આવી હતી.
1946ના નકશા અને વકફ રેકૉર્ડ
મસ્જિદ વ્યવસ્થાપન સમિતિએ કોર્ટમાં 4 મે 1946નો એક નકશો પણ રજૂ કર્યો હતો. મસ્જિદ પક્ષના જણાવ્યા મુજબ, આ નકશા પર ઉજ્જૈનના ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ તથા ગ્વાલિયર સ્ટેટની મહોર અને સહી છે. નકશામાં શાહી મસ્જિદનું સ્થાન દર્શાવાયું હોવાનું સમિતિનું કહેવું છે.
સંબંધિત દસ્તાવેજોમાં મસ્જિદના દક્ષિણ ભાગમાં આવેલી બે મઝાર, મુખ્ય નમાજની જગ્યા અને અન્ય ભાગોનો ઉલ્લેખ મળે છે. વકફ રેકૉર્ડમાં તેની નોંધ ‘વકફ મસ્જિદ પંચ મોચિયાન (શાહી મસ્જિદ)’ તરીકે કરવામાં આવી છે.
દસ્તાવેજો અનુસાર, મસ્જિદની નોંધ વકફ ઍક્ટ, 1954 હેઠળ થઈ હતી અને 13 સપ્ટેમ્બર 1985ના રોજ મધ્ય પ્રદેશના ગૅઝેટમાં તેને વકફ મિલકત જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ તેની નોંધ વકફ ઍક્ટ, 1995 હેઠળ પણ કરવામાં આવી. એક મિલકત રેકૉર્ડમાં પરિસરનો કુલ વિસ્તાર આશરે 4,600 ચોરસ ફૂટ દર્શાવવામાં આવ્યો છે. તેમાં 19 દુકાનો અને બે મકાનોનો પણ ઉલ્લેખ છે.
રસ્તો પહોળો કરવાની કાર્યવાહી અને કોર્ટનો નિર્ણય
મસ્જિદ પક્ષે વહીવટી તંત્રને વાંધાપત્ર આપીને વૈકલ્પિક માર્ગનો સૂચન કર્યો હતો. દક્ષિણ તરફના કમર્શિયલ બિલ્ડિંગ તરફ રસ્તો લંબાવવા અને પૂર્વ તરફની ફૂટપાથને રસ્તામાં સામેલ કરવાની શક્યતા પણ રજૂ કરવામાં આવી હતી. વાંધામાં બંધારણની કલમ 14, 25, 26 અને 300Aનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
મધ્ય પ્રદેશ હાઇકોર્ટે 9 સપ્ટેમ્બરે મસ્જિદ પક્ષની પ્રથમ અરજી ફગાવી દીધી હતી. કોર્ટના જણાવ્યા મુજબ, માસ્ટર પ્લાનનું પાલન કરવું જરૂરી છે અને વહીવટી તંત્રે સંબંધિત પક્ષોને વાંધા રજૂ કરવાની તક આપી હતી. મ્યુનિસિપલ કૉર્પોરેશનના જણાવ્યા મુજબ, રસ્તો 15 મીટર પહોળો કરવા માટે મસ્જિદની મિલકતનો નાનો ભાગ હટાવવો જરૂરી હતો.
આ રસ્તો ગોપાલ મંદિરથી મહાકાલ મંદિર અને ત્યાંથી ક્ષિપ્રા નદી સુધી જાય છે. શાહી સવારી, પેશવાઈ અને સિંહસ્થ કુંભ દરમિયાન અહીં મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. મસ્જિદ પક્ષે હાઇકોર્ટની ખંડપીઠમાં અપીલ કરી હતી, પરંતુ ચુકાદા પહેલાં જ અસરગ્રસ્ત ભાગ હટાવવાની સંમતિ થઈ ગઈ હતી.
સિંહસ્થ 2028 સાથેનો સંબંધ
ઉજ્જૈનમાં સિંહસ્થ 2028ની તૈયારીઓ અંતર્ગત અનેક વિસ્તારોમાં રસ્તા પહોળા કરવા અને અન્ય બાંધકામની કામગીરી ચાલી રહી છે. આ જ યોજનામાં મુખ્યમંત્રી મોહન યાદવનું ઉજ્જૈનના અબ્દાલપુરા વિસ્તારમાં આવેલું પૈતૃક મકાન પણ અસરગ્રસ્ત થયું છે. 27 સપ્ટેમ્બરે તેમણે રસ્તાની હદમાં આવતો આશરે 2.90 મીટરનો ભાગ જાતે હટાવવાની શરૂઆત કરી હતી. તેમની બહેન કલાવતી યાદવનું મકાન પણ આ યોજનાથી અસરગ્રસ્ત થયું છે.
ઉજ્જૈનના કલેક્ટર રોશનસિંહે જણાવ્યું હતું કે માસ્ટર પ્લાન મુજબ રસ્તા પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે અને વિવિધ ધર્મો તથા સમુદાયોના લોકો સ્વેચ્છાએ સહયોગ આપી રહ્યા છે. તેમણે અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને શાંતિ જાળવવા અપીલ કરી હતી.
શાહી મસ્જિદ ગોપાલ મંદિર અને મહાકાલ વિસ્તાર નજીકના જૂના ઉજ્જૈન શહેરમાં આવેલી છે. અહીં ધાર્મિક સ્થળો, બજારો અને રહેણાંક વિસ્તારો નજીક-નજીક આવેલા છે. સ્થાનિક ઇતિહાસકારો અને રહેવાસીઓ આ વિસ્તારના લાંબા સમયથી ચાલતા સામાજિક સહઅસ્તિત્વનો ઉલ્લેખ કરે છે. રસ્તા પહોળા કરવાની વર્તમાન કામગીરીમાં મસ્જિદના સૂચિત હદમાં આવતા ભાગ અંગેનો વિવાદ પણ આ જ ઐતિહાસિક અને ગીચ શહેરી પરિસરમાં ઊભો થયો છે.
