જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં ગુરુવારે, 15 ઓક્ટોબરે સાંજે મિની બસ રસ્તા પરથી લપસીને ખીણમાં ખાબકતાં 18 મુસાફરોને ઈજા થઈ હતી. બસ ઉધમપુરથી ધંદલ તરફ જઈ રહી હતી ત્યારે જોનૂ નજીક અકસ્માત થયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસાન્તની જાણ થતાં સ્થાનિક વહીવટીતંત્રે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી અને ઈજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. ઉધમપુરના ડેપ્યુટી કમિશનર અનંત દ્વિવેદીએ જણાવ્યું હતું કે માહિતી મળ્યા પછી તાત્કાલિક તબીબી મદદની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ઈજાગ્રસ્તોની સારવાર ચાલુ

ડેપ્યુટી કમિશનરના જણાવ્યા અનુસાર, તમામ 18 ઈજાગ્રસ્તોની હાલત સ્થિર છે અને કોઈની સ્થિતિ ગંભીર નથી. હોસ્પિટલમાં તેમને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે. તબીબોની ટીમ દર્દીઓની સ્થિતિ પર નજર રાખી રહી છે અને તેમની તપાસ કરી રહી છે.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે પણ અકસ્માત અંગે ઉધમપુરના ડેપ્યુટી કમિશનર સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ઘટનાની જાણ થયા બાદ જિલ્લા વહીવટીતંત્રનો સંપર્ક કર્યો હતો. બસ ઉધમપુરથી ધંદલ જતી વખતે જોનૂ નજીક રસ્તા પરથી નીચે ઊતરી ગઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.

અકસ્માનું ચોક્કસ કારણ હજી નક્કી થયું નથી. ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે ઘટના કયા સંજોગોમાં બની તેની વિગતવાર તપાસ કરવામાં આવશે અને તપાસના આધારે નિયમોનુસાર કાર્યવાહી કરાશે.