કોલકાતામાં TMC ધારાસભ્ય કુણાલ ઘોષે 24 કલાકની અંદર બીજી વખત પોતાના પર હુમલાનો આરોપ લગાવ્યો છે. ઘોષના જણાવ્યા અનુસાર, રવિવારે તેઓ એક કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે મોટરસાઇકલ પર આવેલા 15થી 20 જેટલા લોકોએ ફૂલબાગાન વિસ્તારમાં તેમની કારને ઘેરી હતી.

ઘોષે દાવો કર્યો કે હુમલાખોરોએ હથોડા અને હથિયાર વડે કારના કાચ તોડ્યા હતા. એક વ્યક્તિએ તેમનો કોલર પકડીને તેમને ચાલતી કારમાંથી બહાર ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે કેટલાક હુમલાખોરોએ રિવોલ્વર બતાવીને ધમકી આપી હતી.

હુમલા દરમિયાન ઘોષના સુરક્ષા કર્મચારીએ સર્વિસ રિવોલ્વર બહાર કાઢી હુમલાખોરોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ડ્રાઇવરે કારને નજીકના નારકેલડાંગા પોલીસ સ્ટેશન તરફ દોડાવી હતી. ઘોષે ત્યાં ફરિયાદ નોંધાવી હોવાનો અહેવાલ છે.

એક દિવસ પહેલાં પણ કાર પર હુમલાનો આરોપ

આ ઘટના પહેલાં શનિવારે ઉત્તરપાડા વિસ્તારમાં ઘોષની કારને રોકીને ઈંટો, પથ્થરો અને ઈંડા ફેંકવામાં આવ્યા હોવાનો આરોપ મૂકાયો હતો. તે સમયે તેઓ સેરામપુરમાં મમતા બેનર્જીની રેલીમાં જઈ રહ્યા હતા. બંને ઘટનાઓને લઈને તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ શરૂ થયા છે.

ઘોષે તાજા હુમલા પાછળ ભાજપનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે અને તેને પોતાની સામેની જાનલેવા કોશિશ ગણાવી છે. બીજી તરફ, ભાજપે આક્ષેપોને ફગાવી તૃણમૂલ કોંગ્રેસની આંતરિક જૂથબાજી જવાબદાર હોવાનો દાવો કર્યો છે.

ઘટનાના સંદર્ભમાં પોલીસે તપાસ શરૂ કરી છે કે નહીં અને કયા લોકો સામે કાર્યવાહી થઈ છે, તેની સંપૂર્ણ વિગતો હજુ જાહેર થઈ નથી.