તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લામાં કાર ઝાડ સાથે અથડાતાં આઠ લોકોનાં મોત થયાં છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત 22 નવેમ્બરની સાંજે થુરૈયુર-મુસિરી માર્ગ પર જમ્બુનાથપુરમ નજીકના કોથુરપટ્ટી ચાર રસ્તા પાસે થયો હતો. કારમાં સવાર તમામ લોકો તંજાવુર જિલ્લાના તિરુકાટ્ટુપલ્લી વિસ્તારમાં આવેલી ઈંટની ભઠ્ઠીમાં કામ કરતા શ્રમિકો હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, શ્રમિકો નમક્કલમાં યોજાયેલા કાન વીંધવાના સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. રસ્તામાં કાર કાબૂ બહાર જતાં માર્ગની બાજુમાં આવેલા લીમડાના ઝાડ સાથે અથડાઈ હતી. ટક્કર બાદ કારમાં સવાર લોકો અંદર ફસાઈ ગયા હતા.
પાંચનાં ઘટનાસ્થળે મોત, ત્રણનું સારવાર દરમિયાન અવસાન
અકસ્મતમાં પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. ઘાયલ પાંચ લોકોને મુસિરી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન ત્રણનાં મોત થતાં મૃતકોની સંખ્યા વધીને આઠ થઈ હતી. બાકીના બે ઘાયલોની હાલત ગંભીર હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. તેમને તિરુચિરાપલ્લીની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે અને કેસ નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં કાર ચાલકે કાબૂ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે; વધુ ઝડપ અકસ્માતનું કારણ હોઈ શકે એવી આશંકા પણ વ્યક્ત કરાઈ છે. જોકે, દુર્ઘટનાનું ચોક્કસ કારણ તપાસ પૂરી થયા બાદ જ સ્પષ્ટ થશે.
મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટનામાં થયેલા જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50-50 હજાર રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે.
તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે પણ મૃતકોનાં પરિવારજનો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો અને ઘાયલોને યોગ્ય સારવાર આપવા અધિકારીઓને સૂચના આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ જાનહાનિ અંગે દુઃખ વ્યક્ત કરી ઘાયલોના ઝડપથી સાજા થવાની કામના કરી હતી.
