બે કરતાં વધુ બાળકો ધરાવતી વ્યક્તિને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડતાં અટકાવતી જોગવાઈની બંધારણીય માન્યતા પર સુપ્રીમ કોર્ટે ફરી વિચાર કરવાની જરૂર દર્શાવી છે. જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ આલોક આરાધેની બેન્ચે મહારાષ્ટ્રની ભૂતપૂર્વ સરપંચ મંગલા ભીમરાવના કેસમાં 2003ના ચુકાદા પર પુનર્વિચારનો પ્રશ્ન મોટી બેન્ચ સમક્ષ મોકલ્યો છે. આ કાર્યવાહીથી નિયમ આપમેળે રદ થયો નથી; મોટી બેન્ચે હવે મુદ્દે નિર્ણય કરવાનો છે.

બેન્ચે નોંધ્યું કે બે કરતાં વધુ બાળકો હોવાને કારણે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાથી નાગરિકોનો એક વર્ગ રાજકીય પ્રતિનિધિત્વથી બહાર રહી શકે છે. આવા પ્રતિબંધનો વ્યક્તિની જાહેર પદ સંભાળવાની ક્ષમતા સાથે સીધો સંબંધ ન હોવાનું પણ કોર્ટે જણાવ્યું. કોર્ટના મતે, આ જોગવાઈ સંતાન પેદા કરવાના નિર્ણય અને લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેવા વચ્ચે અયોગ્ય પસંદગી ઊભી કરી શકે છે અને બંધારણના અનુચ્છેદ 21 હેઠળની પ્રજનન-સ્વાયત્તતાને અસર કરી શકે છે.

મંગલા ભીમરાવનો કેસ શું છે?

મંગલા ભીમરાવ મહારાષ્ટ્રની કાકોડા ગ્રામ પંચાયતનાં ભૂતપૂર્વ સરપંચ છે. મહારાષ્ટ્ર ગ્રામ પંચાયત અધિનિયમ, 1959ની કલમ 14(1)(j-1) હેઠળ બે કરતાં વધુ બાળકો ધરાવતી વ્યક્તિને પંચાયતની ચૂંટણી લડવા અથવા પદ પર ચાલુ રહેવા માટે અયોગ્ય ઠેરવી શકાય છે. ત્રીજા બાળકના જન્મને આધારે તેમની સામે ફરિયાદ થઈ હતી. વધારાના કલેક્ટરે તેમને અયોગ્ય ઠેરવ્યાં; વધારાના કમિશનરે તેમની અપીલ ફગાવી. બોમ્બે હાઈકોર્ટે 5 ઑગસ્ટ 2025ના રોજ આ નિર્ણય યથાવત રાખ્યો હતો. ત્યારબાદ તેમણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. સુપ્રીમ કોર્ટે 4 નવેમ્બર 2025ના રોજ હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી હતી.

2003નો ચુકાદો ફરી ચર્ચામાં

2003માં ‘જાવેદ વિરુદ્ધ હરિયાણા રાજ્ય’ કેસમાં સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે હરિયાણાના પંચાયતી રાજ કાયદા હેઠળ બે બાળકની મર્યાદાને બંધારણીય ગણાવી હતી. વર્તમાન બેન્ચે આ જૂના ચુકાદાની ફરી તપાસ થવી જોઈએ કે નહીં તે નક્કી કરવા મુદ્દો મોટી બેન્ચને મોકલ્યો છે.

સુનાવણીમાં કોર્ટે ભારતનો કુલ પ્રજનન દર 2003ના 3થી ઘટીને 1.9 થયો હોવાનું નોંધ્યું. 2.1નો દર રિપ્લેસમેન્ટ સ્તર ગણાય છે. કોર્ટે બદલાતી વસ્તી-પરિસ્થિતિને ધ્યાનમાં લેવાની જરૂર જણાવી. અન્ય રાજ્યોના નિયમોની સ્થિતિ જાણવા માટે મહારાષ્ટ્ર સરકારનાં વકીલ રુક્મિણી બોબડેને એમિકસ ક્યુરી તરીકે મદદ માટે નિયુક્ત કરાયાં હતાં. અહેવાલમાં આસામ, ગોવા, ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા અને ઉત્તરાખંડમાં આ પ્રકારની જોગવાઈ ચાલુ હોવાનું જણાવાયું છે. તેથી મોટી બેન્ચનો આવનારો નિર્ણય ગુજરાત સહિત આ નિયમ ધરાવતા રાજ્યોની સ્થાનિક ચૂંટણી માટે પણ મહત્ત્વનો બની શકે છે.