સુપ્રીમ કોર્ટે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નામ અને ‘ફૂલ-પાંદડી’ ચૂંટણી ચિહ્ન સાથે જોડાયેલા વિવાદના નિકાલ માટે ચાર મહિનાની સમયમર્યાદા નક્કી કરી છે. કોર્ટે બંને જૂથોને એક મહિનામાં પોતાની દલીલો પૂર્ણ કરવા અને ત્યાર બાદ ચૂંટણી પંચને ત્રણ મહિનામાં નિર્ણય લેવા નિર્દેશ આપ્યો છે.

ચૂંટણી પંચે આ વિવાદ ઉકેલવા માટે છ મહિનાનો સમય માગ્યો હતો, પરંતુ કોર્ટે આ વિનંતી ફગાવી દીધી. આ આદેશ મમતા બેનર્જીની અરજી પરની સુનાવણી દરમિયાન આવ્યો હતો. બેનર્જીએ TMCના નામ અને ચૂંટણી ચિહ્નના ઉપયોગ પર રોક લગાવતા ચૂંટણી પંચના વચગાળાના નિર્ણયને પડકાર્યો હતો.

AIના ઉપયોગનું સૂચન

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને વિવાદના ઝડપી નિકાલ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું છે. કોર્ટના જણાવ્યા અનુસાર, આ ટેક્નોલોજીની મદદથી જટિલ કાનૂની દસ્તાવેજોનું વાંચન અને વિશ્લેષણ ઝડપથી થઈ શકે છે.

ચૂંટણી પંચે 17 સપ્ટેમ્બરે મમતા બેનર્જી અને અરૂપ રૉયના નેતૃત્વવાળા બંને જૂથોની સુનાવણી કરી હતી. ત્યાર બાદ 18 સપ્ટેમ્બરે TMCનું નામ અને મૂળ ચિહ્ન ફ્રીઝ કરવામાં આવ્યું હતું. બેનર્જીના જૂથને ‘મમતા ઑલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ’ નામ સાથે ‘ફૂટબૉલ ખેલાડી’નું ચિહ્ન, જ્યારે બીજા જૂથને ‘ડેમોક્રેટિક તૃણમૂલ કોંગ્રેસ’ નામ અને ‘પરબિડિયું’નું ચિહ્ન ફાળવવામાં આવ્યું છે.

નંદીગ્રામ અને રેજીનગરમાં પેટાચૂંટણી

પશ્ચિમ બંગાળની નંદીગ્રામ અને રેજીનગર વિધાનસભા બેઠકો પર 6 ઑક્ટોબરે પેટાચૂંટણી યોજાશે અને 9 ઑક્ટોબરે મતગણતરી થશે. નામ અને ચિહ્ન ફ્રીઝ થયા બાદ બંને જૂથોના ઉમેદવારો નવા ફાળવાયેલા ચિહ્નો પર ચૂંટણી લડશે.

શિવસેનાના નામ-ચિહ્નનો વિવાદ લગભગ ચાર વર્ષથી અને NCPનો વિવાદ ત્રણ વર્ષથી પેન્ડિંગ હોવાનો ઉલ્લેખ પણ સુનાવણી દરમિયાન થયો હતો.