નવી દિલ્હી: બાકી ટ્રાફિક ઈ-ચલણની વસૂલાત માટે સુપ્રીમ કોર્ટે વીજળી બિલ સાથે દંડની રકમ જોડવાના વિકલ્પ પર વિચાર કરવા સૂચન કર્યું છે. જોકે, આ તબક્કે તે કોઈ ફરજિયાત રાષ્ટ્રીય નિયમ કે તાત્કાલિક આદેશ નથી.

જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે સુનાવણી દરમિયાન કહ્યું કે માત્ર ઈ-ચલણ જારી કરવાથી કામ નહીં ચાલે અને બાકી દંડની અસરકારક વસૂલાત જરૂરી છે. અદાલતને જણાવાયું હતું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આશરે ₹45,000 કરોડના ઈ-ચલણ સંબંધિત દંડમાંથી આશરે ₹25,000 કરોડ વસૂલાયા છે.

વાહન સંબંધિત સેવાઓ પર રોકનો વિકલ્પ

કોર્ટે બાકી દંડ ધરાવતા વાહનોનું નવું અથવા ડુપ્લિકેટ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ જારી ન કરવા, માલિકી હસ્તાંતરણ અટકાવવા અને ફિટનેસ સર્ટિફિકેટ પર રોક મૂકવા જેવા વિકલ્પો સૂચવ્યા હતા. આવા વાહનોને પરિવહન પોર્ટલ પર બ્લેકલિસ્ટ કરવાની વાત પણ થઈ હતી.

આ ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સના રિન્યુઅલ પર રોક, પહેલેથી જારી લાઇસન્સને સસ્પેન્ડ કરવાની શક્યતા, PUC સર્ટિફિકેટ ન આપવું અને રસ્તા પર રેન્ડમ ચેકિંગ દરમિયાન બાકી ચલણ ધરાવતા વાહનો જપ્ત કરવા જેવા પગલાં પણ સૂચવાયા છે.