નવી દિલ્હી: 18 વર્ષથી ઓછી ઉંમરના સગીરોના સોશિયલ મીડિયા ઉપયોગને વધુ સુરક્ષિત બનાવવા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. આ મામલો ‘જસ્ટ રાઇટ્સ ફોર ચિલ્ડ્રન અલાયન્સ’ દ્વારા દાખલ કરાયેલી અરજી સાથે સંબંધિત છે.

અરજીમાં સગીરો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવતી વખતે માતા-પિતા અથવા કાનૂની વાલીની ફરજિયાત સંમતિની વ્યવસ્થા કરવાની માગ કરવામાં આવી છે. વાલીનું વેરિફિકેશન અથવા ઈ-કેવાયસી પણ જરૂરી બનાવવાની રજૂઆત કરવામાં આવી છે.

સગીરોની સુરક્ષા અંગે ચિંતા

અરજીમાં જણાવાયું છે કે કેટલાક લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 13 વર્ષની ઉંમરથી એકાઉન્ટ બનાવવાની મંજૂરી આપે છે, જ્યારે ભારતમાં 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને સગીર ગણવામાં આવે છે. આવી સ્થિતિમાં ઉંમર ચકાસણી અને સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતા અંગે સવાલો ઊભા થાય છે.

અરજીમાં ઓનલાઈન ગ્રૂમિંગ, યૌન શોષણ, સાયબર બુલિંગ, ખાનગી ડેટાના દુરુપયોગ અને વયને અનુરૂપ ન હોય તેવા કન્ટેન્ટ જેવા જોખમોનો ઉલ્લેખ કરાયો છે. આ મુદ્દે IT Rules, 2021માં સુધારા અથવા નવી માર્ગદર્શિકા બનાવવાની પણ માગ કરવામાં આવી છે. હવે કેન્દ્ર સરકારનો જવાબ મળ્યા બાદ આગળની સુનાવણીમાં આ મુદ્દે દિશા સ્પષ્ટ થઈ શકે છે.