સુપ્રીમ કોર્ટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) અને નેશનલ કંપની લો અપીલેટ ટ્રિબ્યુનલ (NCLAT) પર કોર્પોરેટ અફેર્સ મંત્રાલય (MCA)ના વહીવટી નિયંત્રણ અંગે ચિંતા વ્યક્ત કરી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે કર્મચારીઓની ભરતી, ખાલી જગ્યાઓ અને પૂરતી માળખાકીય સુવિધાઓના અભાવ અંગે સવાલો ઉઠાવ્યા હતા. વહીવટી ભરતીની કામગીરી ખાનગી કંપનીને સોંપવામાં આવી હોવા અંગે પણ કોર્ટે પ્રશ્ન કર્યો હતો.

ચર્ચાનો મુદ્દો માત્ર ભરતીની પ્રક્રિયા પૂરતો મર્યાદિત નથી. કંપનીઓ અને નાદારી સંબંધિત વિવાદોનો નિર્ણય કરતી સંસ્થાઓ પોતાના વહીવટ પર કેટલો અધિકાર ધરાવે છે અને સરકારના નિયંત્રણની મર્યાદા ક્યાં હોવી જોઈએ, તે મોટો પ્રશ્ન છે. ટ્રિબ્યુનલને સરકારી નાણાંકીય અને વહીવટી સહાયની જરૂર હોય છે, પરંતુ નિમણૂકો તથા સેવા-શરતો પરના નિયંત્રણથી તેની સ્વતંત્રતા પ્રભાવિત ન થવી જોઈએ—આ બંધારણીય ચર્ચાનું કેન્દ્ર છે.

અલગ ટ્રિબ્યુનલની જરૂર કેમ પડી?

NCLTની સ્થાપના પહેલાં કંપની સંબંધિત વિવાદો જુદાં જુદાં મંચો પર ચાલતા હતા. કંપની લો બોર્ડ (CLB) અનેક કંપની બાબતો સંભાળતું હતું, જ્યારે નાણાકીય રીતે નબળા ઔદ્યોગિક એકમોના મુદ્દા બોર્ડ ફોર ઇન્ડસ્ટ્રિયલ એન્ડ ફાઇનાન્શિયલ રિકન્સ્ટ્રક્શન (BIFR) પાસે જતા હતા. BIFRના નિર્ણય સામે અપીલ માટે અલગ સત્તામંડળ હતું. આ વિખરાયેલી વ્યવસ્થા અને પ્રક્રિયાગત વિલંબ ઘટાડવા વિશિષ્ટ ટ્રિબ્યુનલની કલ્પના કરવામાં આવી.

સંસદે કંપની અધિનિયમ, 1956માં સુધારા કરીને NCLT અને NCLATની જોગવાઈ કરી હતી. આ વ્યવસ્થાની બંધારણીય માન્યતાની સુપ્રીમ કોર્ટે તપાસ કરી હતી; ત્યારબાદ તેને કંપની અધિનિયમ, 2013માં સ્થાન મળ્યું. આ મંચોનો હેતુ કંપની વિવાદોનો ન્યાયિક અને તકનીકી કુશળતા સાથે નિકાલ કરવાનો છે.

NCLT અને NCLATની ભૂમિકા

NCLT કંપની અધિનિયમ અને નાદારી તથા દેવાળીયા સંહિતા (IBC) હેઠળના કેસો સાંભળે છે. તેમાં કંપનીઓના વિલીનીકરણ અને સંપાદન, દમન તથા ગેરવહીવટના દાવા અને કોર્પોરેટ નાદારીની કાર્યવાહીનો સમાવેશ થાય છે. IBC હેઠળ નાણાકીય કે કાર્યકારી લેણદાર કંપની સામે કાર્યવાહી શરૂ કરવા NCLTનો સંપર્ક કરી શકે છે. ઉદાહરણ તરીકે, કંપની લોનની ચુકવણીમાં નિષ્ફળ જાય તો તેનો નાણાકીય લેણદાર નાદારીની કાર્યવાહી શરૂ કરવાની માંગ કરી શકે છે. NCLTના આદેશ સામે NCLATમાં અપીલ થઈ શકે છે; સંબંધિત કાયદાની જોગવાઈઓ હેઠળ આગળ સુપ્રીમ કોર્ટમાં પણ અપીલનો માર્ગ છે.

ટ્રિબ્યુનલની રચના અને નિમણૂકોમાં સરકારી પ્રભાવ અંગે સુપ્રીમ કોર્ટ અગાઉ પણ વિચારણા કરી ચૂકી છે. 2010ના *Union of India v. R. Gandhi* કેસમાં કોર્ટે વિશિષ્ટ ટ્રિબ્યુનલ રચવાની સંસદની સત્તા સાથે તેમની રચના, સભ્યોની લાયકાત અને નિમણૂકમાં ન્યાયિક સ્વતંત્રતાના રક્ષણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. 2015ના *Madras Bar Association v. Union of India* કેસમાં પણ પસંદગી પ્રક્રિયા અને સભ્યોની લાયકાતની તપાસ કરવામાં આવી હતી.

બંધારણની કલમ 50 રાજ્યને જાહેર સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવા દિશાનિર્દેશ આપે છે. ટ્રિબ્યુનલ કાયદા હેઠળ રચાયેલી સંસ્થાઓ હોવાથી તેમને સરકારની સહાય જરૂરી છે; પરંતુ વહીવટી નિયંત્રણ સ્વતંત્ર નિર્ણયક્ષમતાને નબળી ન પાડે તે મુદ્દો મહત્વનો છે. કંપની કાયદા અને નાદારીની વ્યવસ્થાની અસરકારકતા માત્ર કાયદા પર નહીં, પરંતુ તેનો અમલ કરતી સંસ્થાઓની ક્ષમતા અને વિશ્વસનીયતા પર પણ આધારિત છે.