નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર 2026: સુપ્રીમ કોર્ટે ફટાકડા પર દેશવ્યાપી સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે મૌખિક ટિપ્પણીમાં કહ્યું કે સંપૂર્ણ પ્રતિબંધથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે. જોકે, ફટાકડા 24 કલાક સુધી ફોડવાની મંજૂરી પણ આપી શકાય નહીં. તહેવારની ઉજવણી અને લોકોના આરોગ્ય-પર્યાવરણના હિત વચ્ચે સંતુલન સાધવા માટે ચોક્કસ સમય નક્કી કરવો જરૂરી છે.
જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પી.બી. વરાળેની બેન્ચે બુધવાર, 30 સપ્ટેમ્બરની સુનાવણી દરમિયાન આ ટિપ્પણીઓ કરી હતી. બેન્ચે સ્પષ્ટ કર્યું કે ફટાકડાના ઉપયોગ અંગે એવો ઉકેલ શોધવો પડશે, જેમાં ધાર્મિક લાગણીઓનું સન્માન થાય અને વૃદ્ધો, બાળકો, બીમાર લોકો તથા અન્ય જીવસૃષ્ટિ પર સતત અવાજ અને પ્રદૂષણની અસર ન પડે.
બેરિયમ અને અવાજની મર્યાદા અંગે તપાસ
કોર્ટે કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ને ફટાકડામાં બેરિયમના ઉપયોગ, અવાજના સ્તર અને ફાયર ટેસ્ટ અંગે મૂલ્યાંકન પૂર્ણ કરવા સમય આપ્યો છે. આ મુદ્દે વધુ સુનાવણી 15 ઓક્ટોબર 2026ના રોજ થશે.
સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ રજૂ કરેલી નોંધમાં ‘નેક્સ્ટ-જનરેશન જોઈન્ટ ગ્રીન ક્રેકર્સ’ને મર્યાદિત અને શરતી મંજૂરી આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ પ્રકારના ફટાકડા CSIR-NEERIના સહયોગથી વિકસાવવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. તેમાં ઉત્સર્જન ઘટાડવા માટે બેરિયમ સોલ્ટનું પ્રમાણ ઓછું રાખવામાં આવ્યું છે.
પ્રસ્તાવિત છૂટ માત્ર લાઇસન્સ ધરાવતા ઉત્પાદકો દ્વારા બનાવવામાં આવતા ફટાકડાઓ માટે રહેશે. આવા ઉત્પાદકોએ નક્કી કરેલી અવાજ મર્યાદા, ઉત્સર્જનના ધોરણો અને સુરક્ષા નિયમોનું પાલન કરવું પડશે. નોંધમાં અવાજની મર્યાદા 125 dB(AI)/145 dB(C) પીક દર્શાવવામાં આવી છે. પ્રતિબંધિત રસાયણો ધરાવતા ફટાકડાઓને મંજૂરી નહીં મળે.
અગાઉ દિલ્હી-NCRમાં અપાયેલી મર્યાદિત છૂટ
સુપ્રીમ કોર્ટે 2025માં દિલ્હી અને નેશનલ કેપિટલ રિજનમાં ગ્રીન ફટાકડાના વેચાણ અને ઉપયોગને મર્યાદિત શરતો સાથે મંજૂરી આપી હતી. તે સમયે વેચાણ લાઇસન્સ ધરાવતા વેપારીઓ અને મંજૂર ઉત્પાદકો સુધી મર્યાદિત રાખવામાં આવ્યું હતું, જ્યારે ઉપયોગ માટે ચોક્કસ સમય નક્કી કરવામાં આવ્યો હતો.
હાલની સુનાવણીમાં કોર્ટે સમગ્ર દેશમાં એકસરખો સંપૂર્ણ પ્રતિબંધ લાદવા કરતાં નિયંત્રિત સમય અને નિર્ધારિત ધોરણોનો વિકલ્પ તપાસ્યો છે. જોકે, 2026માં ફટાકડા ફોડવા માટેના અંતિમ સમય અને અન્ય અમલદારીઓ અંગેનો નિર્ણય 15 ઓક્ટોબરની સુનાવણી બાદ વધુ સ્પષ્ટ થઈ શકે છે.
