નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સુનિતા અગ્રવાલ સહિત ત્રણ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશોના નામ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્તિ માટે ભલામણ કર્યા છે. આ ભલામણ 28 સપ્ટેમ્બર, 2026ના રોજ યોજાયેલી કોલેજિયમની બેઠકમાં કરવામાં આવી હતી.

ભલામણ કરાયેલા અન્ય બે નામોમાં દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને તેલંગાણા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અપારેશ કુમાર સિંહનો સમાવેશ થાય છે. હવે આ નામો પર કેન્દ્ર સરકારની પ્રક્રિયા બાદ અંતિમ નિયુક્તિ થશે.

સુનિતા અગ્રવાલનું નામ કેમ મહત્વનું

જો જસ્ટિસ સુનિતા અગ્રવાલની ભલામણ મંજૂર થાય અને તેઓ શપથ લે, તો સુપ્રીમ કોર્ટમાં મહિલા ન્યાયાધીશોની સંખ્યા બેમાંથી વધીને ત્રણ થઈ જશે. હાલમાં જસ્ટિસ બી.વી. નાગરથના અને જસ્ટિસ વી. મોહના સુપ્રીમ કોર્ટમાં મહિલા ન્યાયાધીશ તરીકે કાર્યરત છે.

જસ્ટિસ સુનિતા અગ્રવાલ મૂળ અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ છે અને જુલાઈ 2023થી ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી રહ્યા છે. જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય પણ અલ્હાબાદ હાઇકોર્ટ સાથે સંકળાયેલા રહ્યા છે, જ્યારે જસ્ટિસ અપારેશ કુમાર સિંહની મૂળ હાઇકોર્ટ ઝારખંડ છે.

સુપ્રીમ કોર્ટની મંજૂર સંખ્યા

હાલમાં સુપ્રીમ કોર્ટમાં 34 કાર્યરત ન્યાયાધીશો છે, જ્યારે મંજૂર સંખ્યા 38 છે. ત્રણેય ભલામણો મંજૂર થાય તો અદાલતમાં કાર્યરત ન્યાયાધીશોની સંખ્યા 37 થશે, એટલે મંજૂર સંખ્યા કરતાં એક બેઠક ખાલી રહેશે.

આ ભલામણથી સુપ્રીમ કોર્ટમાં મહિલા પ્રતિનિધિત્વ વધવાની સાથે ગુજરાત હાઇકોર્ટને પણ રાષ્ટ્રીય ન્યાયિક સ્તરે મહત્વપૂર્ણ પ્રતિનિધિત્વ મળશે. જોકે, જસ્ટિસ અગ્રવાલની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક કેન્દ્ર સરકારની મંજૂરી અને ત્યારબાદની સત્તાવાર પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ અંતિમ ગણાશે.