બાળકોને ઓનલાઈન જોખમોથી બચાવવાનો ઉપાય તેમને ઇન્ટરનેટથી સંપૂર્ણપણે દૂર રાખવાનો નથી, એમ સુપ્રીમ કોર્ટે કહ્યું છે. બાળકોને પણ ઇન્ટરનેટ વાપરવાનો અધિકાર છે; તેથી તેમની સુરક્ષા જળવાય અને તેઓ તેનો ઉપયોગ કરી શકે—એવા ઉપાયો જરૂરી છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે બાળકોના યૌન શોષણ સંબંધિત કન્ટેન્ટ સામે કાર્યવાહી માટે કેન્દ્ર સરકાર અને સોશિયલ મીડિયા કંપનીઓને નિર્દેશ આપ્યા છે. આ આદેશ 15 ઑક્ટોબર, 2026ના રોજ આપ્યો હતો.

વાંધાજનક કન્ટેન્ટની ઓળખ માટે રાષ્ટ્રીય ડેટાબેઝ

કોર્ટના નિરીક્ષણ મુજબ, એક પ્લેટફોર્મ પરથી હટાવાયેલું કન્ટેન્ટ અન્ય પ્લેટફોર્મ પર ફરી દેખાઈ શકે છે, કારણ કે તેની ઓળખ બધે આપમેળે થતી નથી. આ પુનઃપ્રસાર અટકાવવા કેન્દ્ર સરકારે કન્ફર્મ થયેલા કન્ટેન્ટની ડિજિટલ ઓળખ અને તેની સાથે જોડાયેલી ઇન્ટરનેટ લિંક્સ ધરાવતો રાષ્ટ્રીય ડેટાબેઝ તૈયાર કરવો પડશે. તેમાં મૂળ ફોટા કે વીડિયો સંગ્રહવાના નથી.

ડેટાબેઝમાં કોઈ સામગ્રી ઉમેરતાં પહેલાં તેની ચકાસણી કરવી પડશે. ઓછામાં ઓછા ત્રણ પ્રશિક્ષિત નિષ્ણાતો સ્વતંત્ર રીતે નક્કી કરશે કે તે બાળકોના યૌન શોષણ સાથે સંબંધિત છે કે નહીં. સાથે જ ખોટી ઓળખના કારણે કાયદેસર કન્ટેન્ટ દૂર ન થાય તે માટે નોંધ, ઓડિટ અને ફરિયાદ નિવારણની વ્યવસ્થા રાખવાની રહેશે.

કંપનીઓએ બે કલાકમાં જાણ કરવી પડશે

સોશિયલ મીડિયા કંપનીઓએ આવા કન્ટેન્ટને દૂર કરવાની સાથે ભારતીય કાયદા મુજબ પોલીસ અથવા સાયબર ક્રાઇમ પોર્ટલને જાણ કરવાની રહેશે. કંપની પોતાની તપાસ દરમિયાન અજ્ઞાત સ્ત્રોતનું આવું કન્ટેન્ટ દૂર કરે, તો બે કલાકની અંદર તેની જાણ કરવી પડશે. ફરિયાદ મળ્યા બાદ કન્ટેન્ટ દૂર કરાય તો ફરિયાદનું નિરાકરણ થયા પછી પણ આ જ સમયમર્યાદામાં જાણ કરવાની રહેશે.

કોર્ટે તકનીકી પગલાંની સાથે બાળકોને ઓનલાઈન જોખમ ઓળખવા અને તેની ફરિયાદ કરતાં શીખવવા પર પણ ભાર મૂક્યો છે. ઉંમરને અનુરૂપ સંમતિ, સુરક્ષિત અને અસુરક્ષિત સ્પર્શ, ખાનગી માહિતીનું રક્ષણ તથા ઓનલાઈન શોષણ જેવા વિષયો અભ્યાસક્રમમાં સામેલ કરવા સૂચવાયું છે. આ માટે NCERT અને રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ નિષ્ણાતોની મદદથી સામગ્રી તૈયાર કરે તેવી વાત છે.

નિયમોનો ભંગ કરતી સોશિયલ મીડિયા કંપનીઓ પર નાણાકીય દંડની વ્યવસ્થા અંગે પણ કેન્દ્ર સરકારે વિચારવાનું છે. કેન્દ્રએ આ નિર્દેશોના અમલીકરણની પ્રગતિ અંગે 10 ડિસેમ્બર, 2026ની આગામી સુનાવણીમાં કોર્ટને જાણ કરવાની રહેશે.