એક સમય હતો જ્યારે જાદુગરો, ખેલબાજો, કઠપૂતળીના કલાકારો અને નટો જાહેર સ્થળોએ ભેગા થતા લોકોને પોતાની કરામતો બતાવીને કમાણી કરતા હતા. હવે મનોરંજનની આદતો બદલાઈ રહી છે, જાહેર જગ્યાઓ ઘટી રહી છે અને પ્રદર્શન માટેના નિયમો વધુ કડક બન્યા છે. તેની સીધી અસર પેઢીઓથી ચાલતી આવતી શેરી કલાઓ અને કલાકારોની આજીવિકા પર પડી છે.
દિલ્હીના 55 વર્ષના ઇશામુદ્દીન ખાન આજે પણ દોરડું હવામાં ઊંચું જતું હોય તેવી કરામત બતાવી શકે છે. જોકે હવે તેઓ આ ખેલ નિયમિત રીતે રજૂ કરતાં કરતાં તેની જૂની યાદોને વધુ વાગોળે છે. તેમના શબ્દોમાં, શેરી જાદુ ધીમે ધીમે ખતમ થઈ રહ્યો છે અને અસ્તિત્વ ટકાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.
પેઢીઓથી ચાલી આવતી જાદુની પરંપરા
ઇશામુદ્દીન ખાન મદારી સમુદાયમાંથી આવે છે. આ સમુદાયમાં જાહેર સ્થળોએ પ્રદર્શન કરવાની લાંબી પરંપરા રહી છે. સમુદાયના સત્તાવાર આંકડા ઉપલબ્ધ નથી, પરંતુ ખાનના જણાવ્યા અનુસાર દિલ્હીમાં મદારી સમુદાયના રેકોર્ડમાં આશરે 400 પરિવારો નોંધાયેલા છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને તેલંગણામાં પણ આવા સેંકડો પરિવારો હોવાનું તેઓ કહે છે.
ઇતિહાસકાર અશોક માથુરના જણાવ્યા મુજબ, મદારી પરંપરાનાં મૂળ ભારતીય લોકકથાઓ, પૌરાણિક કથાઓ અને ફરતા કલાકારોના લાંબા ઇતિહાસમાં જોવા મળે છે. આ કળા સામાન્ય રીતે પરિવારોમાં જ એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચતી આવી છે.
ખાને પોતાના પિતા અને કાકાઓ પાસેથી જાદુ શીખ્યું હતું. 12 વર્ષની ઉંમરથી તેમણે પ્રદર્શન શરૂ કર્યું અને 20 વર્ષની ઉંમર સુધીમાં દોરડાની કરામત શીખી લીધી. આ ખેલ સંપૂર્ણ રીતે શીખવામાં તેમને છ વર્ષ લાગ્યાં હતાં. 1995માં તેમણે દિલ્હીના કુતુબમિનારની બહાર પહેલી વાર જાહેરમાં આ કરામત રજૂ કરી હતી. બે વર્ષ પછી કર્ણાટકના એક દરિયાકિનારે 30,000 લોકો સામે તેમણે આ ખેલ બતાવ્યો હતો.
આ પ્રદર્શન બાદ તેમને બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને જાપાનમાં પણ જાદુ બતાવવાની તક મળી. તેમને આશા હતી કે આ આંતરરાષ્ટ્રીય ઓળખથી ભારતના પરંપરાગત કલાકારો તરફ લોકોનું ધ્યાન જશે. થોડા સમય માટે આવું થયું પણ પછી તેમાં ઘટાડો આવ્યો.
જાહેર જગ્યાઓ ઘટી, નિયમો વધ્યા
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, શેરી પ્રદર્શનોમાં ઘટાડા પાછળ જાહેર સ્થળોના બદલાતા સ્વરૂપની મોટી ભૂમિકા છે. કટકથા પપેટ આર્ટ્સ ટ્રસ્ટનાં સ્થાપક અનુરૂપા રૉય કહે છે કે બંધ કરી દેવાયેલા બગીચા અને બહારના લોકોને પ્રવેશ ન હોય તેવી રહેણાક સોસાયટીઓએ કલાકારો માટે ઉપલબ્ધ જગ્યાઓ મર્યાદિત કરી છે.
સંશોધક અને કલાકાર કોમિતા ધાંડા કહે છે કે વ્યસ્ત શહેરો અને નગરોના કેન્દ્રોમાં સુરક્ષાના નિયમો કડક બનતાં શેરી કલાકારો માટે બહુ ઓછી જગ્યા બચી છે. જાહેર સ્થળે પ્રદર્શન કરવાની મંજૂરી મેળવવી પણ ઘણી વખત મુશ્કેલ બને છે. તેમના જણાવ્યા મુજબ, જનનાટ્ય મંચ જેવા શેરી નાટ્યજૂથને પણ જાહેર સ્થળોએ કાર્યક્રમો યોજવામાં અડચણોનો સામનો કરવો પડે છે.
ભારતમાં શેરી પ્રદર્શન માટે દેશભરમાં લાગુ પડે તેવી એકસરખી વ્યવસ્થા નથી. કલાકારોએ જાહેર વ્યવસ્થા, અવરોધ, ઘોંઘાટ અને જાહેર જમીન સંબંધિત નિયમોનું રાજ્યવાર પાલન કરવું પડે છે. વકીલ કૌશિક મિત્રાના જણાવ્યા મુજબ, મ્યુનિસિપલ અને પોલીસના નિયમો ઉપરાંત કલાકારોને રાજ્યવાર ભીખ માગવા વિરોધી કાયદાઓને લગતી જોગવાઈઓનો પણ સામનો કરવો પડે છે. લોકો પોતાની ઇચ્છાથી આપે તે નાણાં પર નિર્ભર કલાકારો માટે આ ભેદરેખા ઘણી વખત અસ્પષ્ટ બની જાય છે.
રોગચાળા પછીની મુશ્કેલી
2020ના લૉકડાઉન દરમિયાન જાહેર સ્થળોએ થતાં પ્રદર્શનો સંપૂર્ણપણે બંધ થઈ ગયાં હતાં. ઘણા જાદુગરો પોતાના ગામ પરત ફર્યા અને કેટલાક ફરી શહેરોમાં આવ્યા જ નહીં. કોમિતા ધાંડા કહે છે કે લૉકડાઉન બાદ શેરી પ્રદર્શનોમાં થયેલા ઘટાડાની સૌથી વધુ અસર જાદુગરો અને અન્ય પરંપરાગત કલાકારો પર પડી.
42 વર્ષના શાહિમ ખાન હજુ દિલ્હીની શેરીઓમાં જાદુ બતાવે છે. ક્યારેક તેમની 12 વર્ષની દીકરી આલિયા પણ તેમની સાથે હોય છે. તેમનું કામ હવે મોટાભાગે ઔદ્યોગિક વિસ્તારો સુધી મર્યાદિત છે. રોગચાળા પહેલાં તેઓ દરરોજ ચારથી પાંચ ખેલ બતાવીને 1,000-1,200 રૂપિયા કમાઈ લેતા હતા. હવે માંડ બે ખેલ થાય છે અને દિવસની કમાણી 200-400 રૂપિયા સુધી સીમિત રહી છે.
બીજી તરફ, 40 વર્ષના ઇમામ ખાને જાદુગર તરીકેનું કામ છોડી દીધું છે. હવે તેઓ દિલ્હીની શેરીઓમાંથી બૉટલો અને રિસાયકલ કરી શકાય તેવી વસ્તુઓ એકઠી કરે છે. કચરામાંથી ભંગાર વીણીને તેમને દરરોજ આશરે 200 રૂપિયા મળે છે.
કળા ટકાવવાનો સવાલ
ટૂંકા વીડિયો અને ડિજિટલ મનોરંજનના વધતા ચલણથી પણ શેરી કલાકારોના દર્શકો ઘટ્યા છે. કોમિતા ધાંડાના જણાવ્યા મુજબ, લોકોની પસંદગી બદલાઈ છે અને ભારત દુનિયા સમક્ષ જે કલારૂપો રજૂ કરે છે તેમાં પણ ફેરફાર આવ્યો છે.
ઇશામુદ્દીન ખાન માટે આ સંકટ માત્ર આવકનું નથી. તેમને ભય છે કે કોઈ આ કરામતો શીખશે નહીં તો પેઢીઓ જૂની કળા લુપ્ત થઈ શકે છે. તેમના પુત્ર અલ્તમાશે કિશોર વયે તેમની સાથે પ્રદર્શન શરૂ કર્યું હતું, પરંતુ હવે તેઓ પાર્ટીઓમાં ફુગ્ગાથી સજાવટનું કામ કરે છે અને મોટાભાગે જાદુ બતાવવાનું છોડી ચૂક્યા છે.
નિયમિત અભ્યાસ ન થતાં અલ્તમાશને હાથચાલાકીનો તાલ જાળવવામાં મુશ્કેલી પડી રહી છે. તેઓ કહે છે કે ધીમે ધીમે પોતાની બધી કરામતો ભૂલી રહ્યા છે. આ સ્થિતિ પરંપરાગત શેરી જાદુ સામેનો સૌથી મોટો સવાલ રજૂ કરે છે: દર્શકો, જગ્યા અને યોગ્ય સહારો નહીં મળે તો આ કળા શીખવાશે કોને અને ટકશે કેવી રીતે?
