સોનિયા ગાંધીએ પોતાના સંસ્મરણ ‘Belonging: A Journey of Love’માં આરોગ્યને લગતા બે મુશ્કેલ અનુભવો વર્ણવ્યા છે. તેમના લખાણ મુજબ, 2010માં સ્તનમાં કેન્સરની આશંકાને પગલે તેમને શસ્ત્રક્રિયા કરાવવાની સલાહ અપાઈ હતી. આશરે એક વર્ષ પછી નિયમિત તપાસમાં સ્વાદુપિંડમાં બીજી ગાંઠ જણાઈ. બંને વખતે ગંભીર બીમારીની શક્યતાને લઈને તેઓ અને તેમનો પરિવાર ચિંતિત થયાં હતાં.

પ્રથમ શસ્ત્રક્રિયા માટે ઇટાલીની પસંદગી

સોનિયાએ લખ્યું છે કે સર ગંગારામ હોસ્પિટલના ડૉક્ટરો પર વિશ્વાસ હોવા છતાં તેઓ ગભરાઈ ગયાં હતાં. બીમારી જાહેર થાય અને મીડિયાનું ધ્યાન ખેંચાય તેવી ચિંતા વચ્ચે તેમણે મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલને બદલે મિલાન નજીકની યુરોપિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑન્કોલોજીમાં સારવાર લેવાનું નક્કી કર્યું. તેમના પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી શસ્ત્રક્રિયા પહેલાં તેમની સાથે હતાં.

તેમના વર્ણન પ્રમાણે, ડૉક્ટરોએ બે ગાંઠ કાઢી હતી. એક ગાંઠમાં કેન્સરની આશંકા નહોતી, છતાં સાવચેતી માટે તેને પણ દૂર કરાઈ. શસ્ત્રક્રિયા દરમિયાન જ રેડિયેશન સારવાર અપાઈ હતી.

સ્વાદુપિંડની ગાંઠ અને 2016ની ઈજા

પહેલી શસ્ત્રક્રિયા બાદ સ્વસ્થ થતાં લગભગ એક વર્ષ લાગ્યું. ત્યારપછી નિયમિત તપાસમાં સ્વાદુપિંડમાં ગાંઠ મળી. શરૂઆતમાં તેના ન્યુરોએન્ડોક્રાઇન ટ્યુમર હોવાની આશંકા હતી અને તાત્કાલિક શસ્ત્રક્રિયાની સલાહ અપાઈ. રોટરડેમના ઇરાસ્મસ યુનિવર્સિટીમેડિકલ સેન્ટરમાં સારવાર થઈ. સોનિયાના જણાવ્યા મુજબ, શસ્ત્રક્રિયા પછી ડૉક્ટરે ગાંઠ કેન્સરપૂર્વની શરૂઆતની અવસ્થામાં હોવાનું અને સમયસર મળી આવ્યાનું કહ્યું.

સંસ્મરણમાં તેમણે ઓગસ્ટ 2016માં વારાણસીની રેલી દરમિયાન બેભાન થવાનો પ્રસંગ પણ નોંધ્યો છે. દિલ્હી લવાયા બાદ તેમને ભાન આવ્યું, પરંતુ પડવાથી ખભામાં ગંભીર ઈજા થતાં ફરી શસ્ત્રક્રિયા કરાવવી પડી હતી.