સોનિયા ગાંધીએ પોતાના સંસ્મરણ ‘Belonging: A Journey of Love’માં સાસુ અને પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી સાથેના શરૂઆતના દિવસોની યાદો લખી છે. તેમના વર્ણન મુજબ, ઇન્દિરા ગાંધીની નારાજગીથી તેઓ એટલાં ગભરાતાં કે તેમને નજીકથી ઓળખતાં થયાં તે પહેલાં ઘણી વાર બેઠક પર બેઠાં બેઠાં ધ્રૂજી ઊઠતાં હતાં.

સોનિયાના જણાવ્યા પ્રમાણે, કામમાં બેદરકારી ઇન્દિરા ગાંધીને પસંદ નહોતી. એક કર્મચારી મહત્ત્વની મુલાકાત યાદ અપાવવાનું ભૂલી ગયો ત્યારે તેમણે તેને ઓરડાના ખૂણે ઊભા રહેવા કહ્યું હતું. બીજા પ્રસંગમાં, એક વરિષ્ઠ કોંગ્રેસી નેતાને દીવાલ તરફ મોં કરીને ઊભા રાખવામાં આવ્યા હોવાનું સોનિયાએ લખ્યું છે. તેઓ થોડા સમય પછી પાછાં ફર્યાં ત્યારે પણ તે વ્યક્તિ એ જ રીતે ઊભી હતી.

સોનિયાના વર્ણન પ્રમાણે, ઇન્દિરા ગાંધી ક્યારેક નારાજ વ્યક્તિ સાથે વાતચીત બંધ કરી દેતાં અને કેટલાંક દિવસ સુધી તેની અવગણના કરતાં. આવા સમયે રાજીવ ગાંધી સોનિયાને સમજાવતા કે ગભરાવાની જરૂર નથી અને તેમની માતા થોડા સમયમાં શાંત થઈ જશે. સોનિયાએ લખ્યું છે કે આ વાત સમજતાં તેમને સમય લાગ્યો.

સંસ્મરણમાં ઇન્દિરા ગાંધીના સ્વભાવનો બીજો પાસો પણ છે. સોનિયાના કહેવા મુજબ, ગુસ્સો શાંત થયા પછી તેઓ ઘણી વાર પોતાના વર્તન પર અફસોસ કરતાં અને પોતાની રીતે તે વ્યક્ત પણ કરતાં. જોકે, કોઈએ તેમનો વિશ્વાસ તોડ્યો હોય તો તેઓ તેને સહેલાઈથી ભૂલતાં નહોતાં. પૌત્ર-પૌત્રીઓ સાથેનો સમય તેમને ખુશી આપતો અને ઘરના તણાવભર્યા માહોલને હળવો કરતો હતો.