સોનિયા ગાંધીએ કહ્યું છે કે રાજીવ ગાંધી જીવતા હોત તો બંને સામાન્ય જીવન જીવતાં હોત. પોતાની આત્મકથા ‘Belonging: A Journey of Love’ અંગેની વાતચીતમાં તેમણે રાજીવ સાથેની પહેલી મુલાકાત, ગાંધી પરિવારના અંગત જીવન અને પોતે રાજકારણમાં જોડાવા સુધીની સફર વિશે જણાવ્યું. તેમણે એમ પણ કહ્યું કે તેમના વિશે અનેક વાતો અને કિસ્સા ઘડાયા, પરંતુ તેમણે બાળકો અને કામ પર ધ્યાન આપ્યું.
સોનિયાના જણાવ્યા પ્રમાણે, 2015માં રાહુલ અને પ્રિયંકાએ તેમને લખવાનું સૂચન કર્યું હતું. કેટલાક મિત્રોએ પણ એ જ સલાહ આપી. ત્યારથી તેમણે નોંધો એકઠી કરીને યાદ આવતી ઘટનાઓ લખવાનું શરૂ કર્યું અને લગભગ 10 વર્ષની મહેનત પછી પુસ્તક તૈયાર થયું.
રાજીવ સાથેનો સંબંધ અને રાજકારણથી અંતર
સોનિયાએ જણાવ્યું કે રાજીવ સાથે તેમની મુલાકાત સામાન્ય મિત્રો દ્વારા થઈ હતી. ત્યારે તેઓ 19 વર્ષનાં હતાં. રાજીવના વ્યક્તિત્વથી પ્રભાવિત થયાં હતાં, પરંતુ તે સમયે રાજીવનું નામ કે તેમનો પરિવાર તેમના જીવનનો હિસ્સો નહોતો. લગ્ન પછી રાજીવ પાઇલટ હતા ત્યારે બંનેનું જીવન સામાન્ય મધ્યમવર્ગીય પરિવાર જેવું હતું, એમ તેમણે યાદ કર્યું.
સંજય ગાંધીના અવસાન પછી તેમણે રાજીવને રાજકારણમાં આવતાં રોકવાના તમામ સંભવ પ્રયાસો કર્યા હતા. જોકે, સમય જતાં રાજીવ માટે રાજકારણથી દૂર રહેવું શક્ય ન હોવાનું સ્પષ્ટ થયું. રાજીવની હત્યા પછી સોનિયા રાજકારણથી વધુ દૂર થઈ ગયાં હતાં. બાળકોને જાહેર જીવનની મુશ્કેલીઓથી બચાવવું તેમની પ્રાથમિકતા હતી અને એ આઘાતમાંથી બહાર આવવામાં ઘણો સમય લાગ્યો હતો.
વર્ષો પછી પક્ષની સ્થિતિ જોઈને તેમને લાગ્યું કે તેમના પરિવારના બલિદાન સાથે જોડાયેલા વિચારો અને ઉદ્દેશ નબળા પડી રહ્યા છે. આ દ્વિધામાં ભગવદ્ ગીતાથી માર્ગદર્શન મળ્યું હોવાનું તેમણે કહ્યું. તેમના મતે, પરિણામની ચિંતા કર્યા વિના કર્તવ્ય નિભાવવાની શીખે ભય ઓછો કર્યો અને રાજકારણમાં આવવાની હિંમત આપી.
પરિવારની યાદો અને વડાપ્રધાનપદનો નિર્ણય
ઇન્દિરા ગાંધીના ઘરેલુ સ્વભાવ વિશે વાત કરતાં સોનિયાએ તેમને સ્નેહાળ ગણાવ્યાં. બાળકોની સંભાળ રાખવી અને તેમને વાર્તાઓ સંભળાવવી તેમને ગમતું હતું, એમ તેમણે કહ્યું. 1969માં તેમના પ્રથમ પુત્રના અવસાન વખતે ઇન્દિરા ગાંધી પ્રવાસ અધવચ્ચે છોડીને હોસ્પિટલ પહોંચ્યાં હતાં અને રાજીવ તથા સોનિયાને હિંમત આપી હતી. સંજય ગાંધીના અવસાન પછી તેઓ જાહેરમાં દૃઢ રહ્યાં, પરંતુ અંગત રીતે ઊંડા દુઃખમાં હતાં, એવી યાદ પણ સોનિયાએ રજૂ કરી.
યુપીએની જીત પછી વડાપ્રધાનપદ સ્વીકાર્યું ન હોવાનો નિર્ણય અગાઉથી જ લીધો હતો અને એ અંગે બાળકોને વચન આપ્યું હતું, એમ તેમણે જણાવ્યું. ગઠબંધનના નેતાઓએ આગ્રહ કર્યો ત્યારે પણ નિર્ણય બદલાયો નહોતો. આ અંગે તેમને ક્યારેય પસ્તાવો થયો નથી, એમ સોનિયાએ કહ્યું.
ડૉ. મનમોહન સિંહ સાથેની ભૂમિકા અંગે તેમણે કહ્યું કે સરકાર ચલાવવાની જવાબદારી મનમોહન સિંહ સંભાળતા હતા અને તેઓ પક્ષનું નેતૃત્વ કરતાં હતાં. દર અઠવાડિયે કોર ગ્રુપની બેઠકમાં તાલમેળ જાળવાતો હતો. યુપીએ સરકારનાં 10 વર્ષ દરમિયાન બંને વચ્ચે ખુલ્લો સંવાદ રહ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું.
દેશની લોકશાહી સંસ્થાઓ અને સામાજિક માળખા અંગે સોનિયાએ પડકારોની ચિંતા વ્યક્ત કરી. મીડિયા, સંસદ અને ચૂંટણી પંચની સ્વતંત્રતા તથા ભૂમિકા અંગે ચર્ચા, સત્તાનું કેન્દ્રીકરણ અને સામાજિક ધ્રુવીકરણ—આ મુદ્દાઓ બંધારણીય મૂલ્યો અને સામાજિક સૌહાર્દને અસર કરી શકે છે, એમ તેમનું કહેવું હતું. લોકશાહી માટે સંવાદ, અસંમતિનો આદર અને વિવિધતાનું સન્માન જરૂરી ગણાવતાં તેમણે કોંગ્રેસ, અન્ય વિપક્ષી પક્ષો અને યુવાનોની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી.
