કૉંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાના પુસ્તક ‘બિલૉન્ગિંગ: એ જર્ની ઑફ લવ’માં 2004માં વડાં પ્રધાનપદ સ્વીકારવાનો ઇનકાર કરવા પાછળનાં કારણો અને તે સમયની ઘટનાઓ યાદ કરી છે. તેમના વર્ણન પ્રમાણે, ચૂંટણીના મહિનાઓ પહેલાં જ તેમણે રાહુલ અને પ્રિયંકા ગાંધી સાથે આ મુદ્દે વાત કરી હતી. બંને બાળકો ઇચ્છતાં નહોતાં કે તેઓ વડાં પ્રધાન બને. સુરક્ષાને લઈને તેમની ચિંતા આ નિર્ણય પાછળનું એક કારણ હતું.
સોનિયાના પુસ્તકમાં જણાવ્યા મુજબ, જ્યારે બાળકોએ પૂછ્યું કે કૉંગ્રેસ જીતે તો તેઓ વડાં પ્રધાનપદ સ્વીકારશે કે નહીં, ત્યારે તેમણે સ્પષ્ટ ના પાડી હતી. તેમણે લખ્યું છે કે રાહુલ અને પ્રિયંકા બંને તેમના આ નિર્ણયથી રાહત અનુભવતાં હતાં. સોનિયાએ પણ પહેલી વાર આ મુદ્દે પોતાનો નિર્ણય ખુલ્લેઆમ વ્યક્ત કર્યા પછી હળવાશ અનુભવી હતી.
ચૂંટણી પછીનો નિર્ણય અને રાહુલની પ્રતિક્રિયા
2004ની લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર હારી અને કૉંગ્રેસના નેતૃત્વ હેઠળ સરકાર રચવાની સ્થિતિ ઊભી થઈ. સોનિયા ગાંધીના વર્ણન પ્રમાણે, ચૂંટણી પહેલાં જાહેર મંચો પર વડા પ્રધાન કોણ બનશે તેવા સવાલનો તેમણે સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો. જોકે, અંદરથી તેઓ માનતાં હતાં કે સરકારનું નેતૃત્વ શાસનનો અનુભવ ધરાવતી અને પ્રામાણિકતા અંગે સવાલ ન હોય તેવી વ્યક્તિએ કરવું જોઈએ.
ચૂંટણીનાં પરિણામો પછી ગઠબંધનના નેતાઓએ સોનિયાને વડાં પ્રધાનપદ સ્વીકારવા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પુસ્તકમાં તેમણે લખ્યું છે કે બેઠકમાં પોતાનો નિર્ણય જણાવતાં નેતાઓએ તેમની વાત પૂરી સાંભળ્યા વિના જ તેઓ સંમત થઈ ગયાં હોવાનું માની લીધું. આ પ્રસંગ પછી રાહુલે તેમને પૂછ્યું હતું કે તેમણે હા કેમ પાડી. સોનિયાના જણાવ્યા પ્રમાણે, તેમણે રાહુલને કહ્યું હતું કે નેતાઓ તેમની વાત સાંભળવા તૈયાર નહોતા અને તેઓ પોતે આ પદ ઇચ્છતાં નહોતાં. રાહુલે જવાબમાં સવાલ કર્યો કે તેમના પર દબાણ થઈ રહ્યું હોય તો પરિવારની ચિંતાનું શું, અને ગુસ્સામાં ત્યાંથી ચાલ્યા ગયા.
પ્રિયંકાએ માતાને દબાણમાં ન આવવા અને પોતાના નિર્ણય પર અડગ રહેવા કહ્યું હતું. સોનિયાના પુસ્તકમાં આ વાતચીતને પરિવારની ચિંતા અને તે સમયના દબાણ વચ્ચેની ક્ષણ તરીકે રજૂ કરવામાં આવી છે.
‘અંતરાત્માના અવાજ’થી લઈને રાજકીય કારણો સુધી
વડાં પ્રધાનપદ નકાર્યા પછી સોનિયાએ જાહેરમાં કહ્યું હતું કે તેમણે ‘અંતરાત્માના અવાજ’ને અનુસરીને નિર્ણય લીધો. પુસ્તકમાં તેમણે રાજકીય કારણો પણ આપ્યાં છે. તેમના કહેવા પ્રમાણે, તેમને આશંકા હતી કે વડાં પ્રધાન બન્યા પછી તેમના વિદેશી મૂળનો મુદ્દો વધુ ઉછાળવામાં આવશે. તેનાથી રાજકીય વાતાવરણ ઉગ્ર બની શકે અને સરકાર માટે જરૂરી કામકાજ ઢંકાઈ જાય.
તેમણે લખ્યું છે કે દેશને મજબૂત અને સક્ષમ સરકારની જરૂર હતી તથા વિકાસ અને પ્રગતિ પર ધ્યાન આપવું જરૂરી હતું. તેમણે આરએસએસથી પ્રેરિત ગણાવેલા ભાજપના રાજકારણ અંગે પોતાની ચિંતા પણ વ્યક્ત કરી હતી. આ સોનિયા ગાંધીનાં પુસ્તકમાં રજૂ કરાયેલા તેમના વિચારો છે.
2004માં મનમોહનસિંહ વડા પ્રધાન બન્યા અને સોનિયા ગાંધી યુપીએનાં અધ્યક્ષ રહ્યાં. પુસ્તકમાં સોનિયાએ સરકારના રોજિંદા કામકાજમાં હસ્તક્ષેપ કર્યાના આક્ષેપ નકાર્યા છે. તેમણે લખ્યું છે કે તેમને સરકારી ફાઇલો બતાવવામાં આવી નહોતી અને પીએમઓમાંથી ફાઇલો મંગાવવાના આરોપો ખોટા હતા. તેમના વર્ણન પ્રમાણે, મનમોહનસિંહ સરકાર ચલાવતા હતા અને તેઓ કૉંગ્રેસનું નેતૃત્વ કરતાં હતાં.
