મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના માઢા તાલુકાના તુલશી ગામમાં પાણીની અછત સામે ગ્રામજનોનો રોષ હવે ‘ગામ વેચાણ માટે’નાં પોસ્ટર દ્વારા વ્યક્ત થયો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે સિંચાઈના પાણીની રાહ જોતા તેમને 25 વર્ષ વીતી ગયા, છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી.
તુલશી સિના-માઢા લિફ્ટ સિંચાઈ યોજનાથી માત્ર 9 કિમી દૂર છે. આ યોજના વર્ષ 2000માં શરૂ થઈ હતી અને ઉજની ડેમમાંથી કેનાલ મારફતે આસપાસનાં ગામોને પાણી પૂરું પાડે છે. જોકે, તુલશી કેનાલ નેટવર્કમાં સામેલ ન હોવાથી યોજનાનો લાભ મેળવી શક્યું નથી.
વરસાદના અભાવે સ્થિતિ ગંભીર
જિલ્લા રેકોર્ડ મુજબ માઢા તાલુકાનાં કેટલાંક ગામો, જેમાં તુલશીનો પણ સમાવેશ થાય છે, ત્યાં છેલ્લા 45 દિવસમાં વરસાદ નોંધાયો નથી. ગામનાં જળાશયોમાં પાણી ખૂબ ઓછું છે અથવા નથી, જ્યારે કૂવા અને પરકોલેશન તળાવો સુકાઈ ગયાં છે. ગ્રામજનોને જુલાઈથી પાણીનાં ટેન્કરો પર આધાર રાખવો પડી રહ્યો છે.
પાણીની સમસ્યાને પગલે ગ્રામજનોએ ગણેશ ચતુર્થીથી અનિશ્ચિત ઉપવાસ શરૂ કર્યો હતો. તેમણે તહસીલદારને આવેદન આપીને માંગણી પૂર્ણ ન થાય તો સામૂહિક રીતે જીવન ટૂંકાવવાની ચેતવણી પણ આપી હતી. ચૂંટણી બહિષ્કારની ચીમકી બાદ પાણી સંસાધન મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલ સાથેની વાતચીત પછી શુક્રવારે વિરોધ સ્થગિત કરવામાં આવ્યો હતો.
2,700 હેક્ટર ખેતી પર અસર
ખેડૂતોએ ફળની વાડીઓ છોડવી પડી છે અને નવી ખેતીનું આયોજન પણ અટકાવ્યું છે. ચોમાસું પૂરું થયા બાદ તુલશીની લગભગ 2,700 હેક્ટર ખેતીની જમીન બંજર બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. દાડમની ખેતી કરનારા ખેડૂતોને આવકમાં મોટો ફટકો પડ્યો છે, જ્યારે પશુપાલન માટે ઘાસચારાની અછત પણ સર્જાઈ છે.
સોલાપુરના જિલ્લા કલેક્ટર એસ. કાર્તિકેયને જણાવ્યું કે સિંચાઈ વિભાગે તુલશીનો હાઇડ્રોલોજિકલ સર્વે કરીને વૈજ્ઞાનિક અને તકનીકી બાબતોની તપાસ કરી છે. તુલશી ઉપરાંત બાવી, પરિતેવાડી અને અંજણગાંવ ખુર્દ માટે કેનાલ નેટવર્કનો પ્રસ્તાવ રાજ્ય સરકારને મોકલવામાં આવશે.
કૃષ્ણા વેલી ડેવલપમેન્ટ કોર્પોરેશનના અધિકારી અનુસાર, ચાર ગામો માટે 2023માં કરવામાં આવેલા તકનીકી વિશ્લેષણમાં યોજનાનો ખર્ચ આશરે રૂ. 46.49 કરોડ હતો, જે હવે વધવાની શક્યતા છે. ચાર ગામોના 14 જળાશયોમાંથી છને બંધ પાઇપલાઇનથી અને બાકીનાં આઠને પંપ દ્વારા ભરવાની જરૂર પડશે. મંજૂરી મળ્યા બાદ જમીન પર કામ પૂર્ણ થવામાં કેટલાક વર્ષ લાગી શકે છે.
