SIRને લઈને આંતરિક મતભેદોના દાવાઓ વચ્ચે ચૂંટણી પંચે શનિવારની બેઠક બાદ પોતાની કામગીરી અને ચૂંટણી વ્યવસ્થા સાથે જોડાયેલા 9 નિર્ણયો જાહેર કર્યા છે. પંચે જણાવ્યું કે હવે બેઠકો પહેલાં એજન્ડા શેર કરવામાં આવશે અને બેઠક બાદ લેવાયેલા નિર્ણયો અંગે નોંધ તૈયાર કરવામાં આવશે.

નવા IT મોડ્યુલો અને પોર્ટલ અમલમાં મૂકતા પહેલાં તેમની સમીક્ષા કરવાનો પણ નિર્ણય લેવાયો છે. ECIનેટની તપાસ માટે એક વરિષ્ઠ ઉપ ચૂંટણી કમિશનરની અધ્યક્ષતામાં સમિતિ બનાવવામાં આવશે. તેમાં IIT અથવા IIITના એક સ્વતંત્ર નિષ્ણાતનો સમાવેશ થશે.

બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધૂ તથા વિવેક જોશી હાજર રહ્યા હતા. પંચે સ્પષ્ટતા કરી કે મતદાર યાદીઓના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR) સાથે જોડાયેલા નિર્ણયો સર્વસંમતિથી લેવાયા હતા.

પંચે જણાવ્યું કે સંધૂ અને જોશીએ કેબિનેટ સચિવને મોકલેલા પત્રો પ્રતિનિયુક્તિ પર આવેલા એક અધિકારી સાથે સંબંધિત હતા. સંબંધિત અધિકારી દ્વારા જારી કરાયેલા કાર્ય પુનર્વિતરણના આદેશો અમલમાં આવ્યા જ નહોતા, એવો પંચનો દાવો છે. ચૂંટણી કમિશનરો તરફથી અધિકારીઓને આપવામાં આવતા તમામ નિર્દેશોનું પાલન કરવામાં આવશે તેમ પણ જણાવાયું છે.

ફોર્મ-6થી નામ ઉમેરવાની તક

પંચ અનુસાર, SIRમાં નામ ન આવ્યું હોય તેવા લોકો સતત મતદાર યાદી અપડેટ કરવાની પ્રક્રિયા હેઠળ સંબંધિત ERO પાસે નામ ઉમેરવા માટે અરજી કરી શકે છે. યુવાનો અને પ્રથમવાર મતદાન કરનારા લોકો માટે CEO, DEO અને EROને વિશેષ અભિયાન ચલાવવાની સૂચના આપવામાં આવી છે.

SIR દરમિયાન 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી 13.37 કરોડ નામો ઓછા થયા છે. ચૂંટણી પંચ મુજબ દેશમાં 96.88 કરોડથી વધુ મતદારો છે.

કોંગ્રેસે આ નિર્ણયોને ડેમેજ કંટ્રોલ ગણાવી અનેક રાજ્યોમાં ચાલી રહેલું SIR તાત્કાલિક રોકવાની માગ કરી છે. પાર્ટીએ જ્ઞાનેશ કુમારના રાજીનામા અથવા તેમની સામે કાર્યવાહી કરવાની પણ માગ કરી છે. ઓનલાઈન ફોર્મ-6માં માતા-પિતા સંબંધિત સવાલ, પશ્ચિમ બંગાળમાં આશરે 16 લાખ નામો સામેની અપીલ અને ગોવામાં નામ પુનઃસ્થાપિત કરતું સોફ્ટવેર ફીચર જેવા મુદ્દાઓ પર હજુ સ્પષ્ટતા બાકી છે.