દેશના 2 હજારથી વધુ નાગરિકોએ ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતને પત્ર લખીને મતદાર યાદીઓના Special Intensive Revision (SIR) પર રોક લગાવવાની માગ કરી છે. પત્રમાં SIRની માન્યતા અને તેની પ્રક્રિયાની સમીક્ષા ન થાય ત્યાં સુધી તેને સ્થગિત રાખવાની અપીલ કરવામાં આવી છે.

પત્રમાં મતદાર નોંધણી સોફ્ટવેર અને ફોર્મમાં થયેલા કથિત અનધિકૃત ફેરફારોની કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરવાની માગ પણ કરાઈ છે. આ ઉપરાંત મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને અન્ય અધિકારીઓ સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવા તથા ECIનેટનું સુરક્ષા અને કાનૂની ઓડિટ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સ્વતંત્ર નિષ્ણાત સમિતિ પાસેથી કરાવવાની અપીલ કરવામાં આવી છે.

પત્ર પર હસ્તાક્ષર કરનારાઓમાં પૂર્વ નૌકાદળ પ્રમુખ એડમિરલ વિષ્ણુ ભાગવત, પૂર્વ IAS અધિકારી અદિતિ મહેતા, વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ, ઇતિહાસકાર આદિત્ય મુખર્જી અને અભિનેતા પ્રકાશ રાજ સહિત શિક્ષણવિદો, વકીલો, પત્રકારો અને સામાજિક કાર્યકરોનો સમાવેશ થાય છે.

ચૂંટણી પંચે લીધેલા નિર્ણયો

SIR અંગેના વિવાદ વચ્ચે ચૂંટણી પંચે શનિવારની બેઠકમાં પોતાની કામગીરી અને ચૂંટણી વ્યવસ્થા સાથે જોડાયેલા 9 નિર્ણયો લીધા. પંચે જણાવ્યું કે બેઠકો પહેલાં એજન્ડા શેર કરવામાં આવશે અને બેઠક બાદ નિર્ણયોની નોંધ તૈયાર કરવામાં આવશે. નવા IT મોડ્યુલો અને પોર્ટલ લાગુ કરતાં પહેલાં તેમની સમીક્ષા કરવાનો નિર્ણય પણ લેવાયો છે.

ચૂંટણી પંચે જણાવ્યું કે SIR સાથે જોડાયેલા નિર્ણયો સર્વસંમતિથી લેવાયા હતા. ECIનેટની તપાસ માટે એક વરિષ્ઠ ઉપ ચૂંટણી કમિશનરની અધ્યક્ષતામાં સમિતિ બનાવાશે, જેમાં IIT અથવા IIITના એક સ્વતંત્ર નિષ્ણાતનો સમાવેશ થશે.

પંચના જણાવ્યા અનુસાર SIRમાં જેમનાં નામ રહી ગયાં છે, તેઓ સતત મતદાર યાદી અપડેટ કરવાની પ્રક્રિયા હેઠળ સંબંધિત ERO સમક્ષ નામ ઉમેરવા માટે Form-6 દ્વારા અરજી કરી શકે છે. યુવાનો અને પહેલીવાર મતદાન કરનારા લોકો પણ આ પ્રક્રિયામાં અરજી કરી શકે છે. CEO, DEO અને EROને આવા નામ ઉમેરવા માટે વિશેષ અભિયાન ચલાવવાના નિર્દેશ અપાયા છે.

13.37 કરોડ નામ ઓછાં થયાનો દાવો

ચૂંટણી પંચના આંકડા મુજબ SIR દરમિયાન અત્યાર સુધીમાં 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી 13.37 કરોડ નામ ઓછાં થયાં છે. દેશમાં કુલ 96.88 કરોડથી વધુ મતદારો છે, જેના આધારે આશરે 14.1 ટકા મતદારોનાં નામ ઓછાં થયાં હોવાનું જણાવાયું છે.

જોકે ઓનલાઈન Form-6માં માતા-પિતા સાથે જોડાયેલો સવાલ શા માટે ઉમેરાયો અને હવે તેને દૂર કરવામાં આવ્યો છે કે નહીં, તે અંગે સ્થિતિ સ્પષ્ટ નથી. પશ્ચિમ બંગાળમાં આશરે 16 લાખ નામ સામે અપીલ કોના આદેશથી દાખલ થઈ અને ગોવામાં મતદારનું નામ પુનઃસ્થાપિત કરતું સોફ્ટવેર ફીચર કેમ શરૂ થયું નથી, તે અંગે પણ સ્પષ્ટતા બાકી છે.