નવી દિલ્હી: સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન મતદાર યાદીમાંથી છૂટેલા પાત્ર મતદારોનાં નામ ફરી ઉમેરવા ચૂંટણી પંચ હવે વિશેષ અભિયાન ચલાવશે. આ અભિયાનમાં 18 વર્ષની ઉંમર પૂર્ણ કરી ચૂકેલા નવા મતદારોને પણ મતદાર યાદીમાં નોંધણી કરવાની તક આપવામાં આવશે. ચૂંટણી પંચે 29 સપ્ટેમ્બરે આ અંગે લેખિત સૂચના આપી હતી અને તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથેની વિડિયો કોન્ફરન્સમાં તેને ફરી સ્પષ્ટ કર્યું હતું.

ચૂંટણી પંચ SIR પહેલાં અને પછીની મતદાર યાદીઓની સરખામણી કરાવશે. આ પ્રક્રિયા દ્વારા એવા પાત્ર મતદારોને ઓળખવામાં આવશે, જેમનાં નામ કોઈ ભૂલ અથવા ચકાસણીની પ્રક્રિયા દરમિયાન યાદીમાંથી છૂટી ગયાં હોય. ત્યારબાદ Booth Level Officer (BLO) ઘરે જઈને સંબંધિત મતદારોની તપાસ કરશે.

ચકાસણીમાં મતદાર ડુપ્લિકેટ નથી અને તેનું અવસાન થયું નથી તેવું જણાશે તો Form 6 મારફતે નામ ફરી ઉમેરવાની પ્રક્રિયા હાથ ધરાશે. આ કામગીરીમાં રાજકીય પક્ષો અને તેમના Booth Level Agentsની મદદ પણ લેવામાં આવશે. ચૂંટણી પંચના સત્તાવાર મતદાર સેવા પોર્ટલ પર Form 6 નવા મતદાર તરીકે નોંધણી માટે ઉપલબ્ધ છે, જ્યારે મતદાર યાદીમાંથી નામ દૂર કરવા Form 7નો ઉપયોગ થાય છે.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં નામની ચકાસણી

આ પ્રક્રિયા દરમિયાન ગુજરાતમાં આશરે 68 લાખ અને મહારાષ્ટ્રમાં આશરે બે કરોડ નામ મતદાર યાદીમાંથી હટાવવામાં આવ્યાં હોવાનું જણાવાયું છે. આ નામોને અંતિમ રીતે બહાર રાખવા પહેલાં ફરી ચકાસણી કરવામાં આવશે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ પાત્ર મતદારનું નામ યાદીમાંથી બહાર ન રહે અને તેનો મતાધિકાર સુરક્ષિત રહે તે તેની મુખ્ય જવાબદારી છે.

મહારાષ્ટ્રમાં SIRની પ્રક્રિયા હજુ ચાલુ હોવાથી અધિકારીઓને પાત્ર મતદારોનાં નામ ઉતાવળમાં ન હટાવવા સૂચના આપવામાં આવી છે. મુંબઈ શહેર અને મુંબઈ ઉપનગરના અધિકારીઓને દસ્તાવેજો અને અન્ય માહિતીની સંપૂર્ણ તપાસ કર્યા પછી જ નામ દૂર કરવાનો નિર્ણય લેવા કહેવામાં આવ્યું છે. નોટિસ મેળવનાર મતદારો માટે 3, 4, 10 અને 11 ઓક્ટોબરે વિશેષ કેમ્પ યોજાવાના છે.

મહારાષ્ટ્રની ડ્રાફ્ટ મતદાર યાદીમાં આશરે 1.22 કરોડ રેકોર્ડ તપાસ માટે ચિહ્નિત કરવામાં આવ્યા છે. તેમાં આશરે 62.48 લાખ કેસ સંબંધીઓની માહિતીમાં ગડબડી સાથે જોડાયેલા છે, જ્યારે આશરે 59.75 લાખ કેસ અગાઉની મતદાર યાદીમાં સંબંધીઓ સાથે મેપિંગ ન થયું હોવા સાથે સંબંધિત છે.

SIRના તબક્કા અને આગળની પ્રક્રિયા

પ્રથમ અને બીજા તબક્કામાં 13 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR પૂર્ણ થઈ ચૂકી છે. ત્રીજા તબક્કામાં 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રક્રિયા ચાલી રહી છે. તેમાંથી 7 રાજ્યોમાં યાદી જાહેર થઈ ચૂકી છે, જોકે ત્રીજા તબક્કાના આ સાત રાજ્યોનાં નામ ચૂંટણી પંચે જાહેર કર્યા નથી.

ત્રીજા તબક્કાની પ્રક્રિયા 30 મેથી 23 ડિસેમ્બર સુધી ચાલવાની છે અને તેમાં 36.73 કરોડ મતદારોનું વેરિફિકેશન થઈ રહ્યું છે. આ તબક્કામાં દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને ઉત્તરાખંડ સહિતનાં રાજ્યો સામેલ છે. પંજાબ, ઉત્તરાખંડ અને મણિપુરમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જ્યારે અન્ય રાજ્યોમાં 2028 અને 2029 દરમિયાન ચૂંટણી યોજાવાની છે.

ચૂંટણી પંચે ECINetની સમીક્ષા માટે પણ સમિતિ રચવાનો નિર્ણય લીધો છે. તેમાં IIT અથવા IIITના એક સ્વતંત્ર નિષ્ણાતનો સમાવેશ થશે. જરૂરિયાત જણાશે તો સોફ્ટવેરમાં ફેરફાર કરવામાં આવશે. SIR દરમિયાન નામ કપાઈ ગયેલા મતદારો માટે સત્તાવાર પોર્ટલ પર છેલ્લી SIRની મતદાર યાદીમાં પોતાનું નામ શોધવાની સુવિધા પણ ઉપલબ્ધ છે.