ઓપરેશન સિંદૂર પછી પહેલીવાર ભારતીય અધિકારીઓનું પ્રતિનિધિમંડળ પાકિસ્તાન પહોંચ્યું છે. આ મુલાકાત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવા માટે થઈ છે.
ઇસ્લામાબાદમાં 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન SCOના નેશનલ કોઓર્ડિનેટર્સની ત્રણ દિવસીય બેઠક યોજાઈ રહી છે. બેઠકનો મુખ્ય હેતુ ઓગસ્ટ 2027માં ઇસ્લામાબાદમાં યોજાનારી SCO કાઉન્સિલ ઑફ હેડ્સ ઑફ સ્ટેટ સમિટની તૈયારીઓને આગળ વધારવાનો છે.
ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ નેશનલ કોઓર્ડિનેટર આલોક ડિમરી કરી રહ્યા છે, જ્યારે બેઠકની અધ્યક્ષતા પાકિસ્તાનના નેશનલ કોઓર્ડિનેટર મોહમ્મદ ફૈસલ કરી રહ્યા છે.
બેઠકમાં કયા મુદ્દાઓ પર ચર્ચા
બેઠકમાં SCO સભ્ય દેશો વચ્ચે સહયોગ, સંકલન, કનેક્ટિવિટી અને આર્થિક સહયોગ વધારવા ઉપરાંત આગામી કાર્યક્રમો અને બેઠકોનું આયોજન નક્કી કરવામાં આવશે. પાકિસ્તાન 2026-27 માટે SCO કાઉન્સિલ ઑફ હેડ્સ ઑફ સ્ટેટનું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે.
ભારત SCOનું પૂર્ણ સભ્ય દેશ છે. અગાઉ વિદેશમંત્રી એસ. જયશંકરે 15-16 ઑક્ટોબર 2024ના રોજ ઇસ્લામાબાદમાં યોજાયેલી SCO કાઉન્સિલ ઑફ હેડ્સ ઑફ ગવર્નમેન્ટની બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું.
