તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીના ભગવાન રામ અને ભગવાન શિવ અંગેના નિવેદનથી રાષ્ટ્રીય રાજકારણમાં વિવાદ ઊભો થયો છે. સોમવાર, 28 સપ્ટેમ્બર 2026ના રોજ દિલ્હીમાં યોજાયેલા એક સંમેલનમાં તેમણે દાવો કર્યો કે ભગવાન શિવ ગરીબોના અને ભગવાન રામ અમીરોના ભગવાન છે. તેમણે ભાજપને અમીરોની પાર્ટી ગણાવી હતી.
રેવંત રેડ્ડીને પૂછવામાં આવ્યું હતું કે કોંગ્રેસ દક્ષિણ ભારતનાં રાજ્યોમાં લોકપ્રિય છે, પરંતુ ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ ભારતમાં એટલી મજબૂત કેમ નથી. તેના જવાબમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ દક્ષિણમાં સફળ રહી છે, જ્યારે ઉત્તર ભારતમાં નબળી પડી છે. તેમણે આ માટે ભાજપ પર ભગવાન રામને રાજકીય રીતે ‘ચોરી લેવાનો’ આરોપ મૂક્યો.
કોંગ્રેસની દક્ષિણની સફળતા અંગે રેવંતનો દાવો
રેવંત રેડ્ડીએ કહ્યું કે દક્ષિણ ભારતના લોકો શિવભક્ત છે, જ્યારે ઉત્તર ભારત સાથે ભગવાન રામની ભક્તિને વધુ જોડવામાં આવે છે. તેમણે દ્રવિડ અને આર્ય ઓળખનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ મુદ્દો લાગણી અને આસ્થા સાથે જોડાયેલો છે. તેમના જણાવ્યા અનુસાર, ભાજપે ભગવાન રામને પોતાના રાજકીય પ્રતીક તરીકે સ્થાપિત કરી લીધા છે, જેના કારણે કોંગ્રેસને ઉત્તર ભારતમાં નુકસાન થયું છે.
રેવંત રેડ્ડીએ ભાજપના ‘જય શ્રી રામ’ સૂત્રનો પણ ઉલ્લેખ કર્યો હતો અને સવાલ કર્યો હતો કે ભાજપના નેતાઓ ‘હર હર મહાદેવ’નો ઉલ્લેખ કેમ કરતા નથી.
બંદી સંજયે કહ્યું- દેવતાઓ વચ્ચે રાજકીય ભેદ ન કરો
કેન્દ્રીય રાજ્યમંત્રી બંદી સંજય કુમારે રેવંત રેડ્ડીના નિવેદનની ટીકા કરી. તેમણે આરોપ મૂક્યો કે તેલંગાણાના મુખ્યમંત્રી ભગવાન રામ અને ભગવાન શિવ વચ્ચે રાજકીય સીમા દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સંજયે કહ્યું કે રામ અને શિવને ઉત્તર અને દક્ષિણના આધારે વહેંચવા જોઈએ નહીં.
સંજયે તેલંગાણાના વેમુલવાડાને ‘દક્ષિણ કાશી’ અને ભદ્રાચલમને ‘દક્ષિણ અયોધ્યા’ તરીકે ઓળખાવ્યાં. તેમણે કહ્યું કે તેલંગાણાના મુખ્યમંત્રીને પોતાના રાજ્યની આ ધાર્મિક પરંપરાઓની જાણકારી હોવી જોઈએ. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીનું પ્રતિનિધિત્વ કરે છે અને કાશી વિશ્વનાથ મંદિર શહેરના આધ્યાત્મિક કેન્દ્રમાં આવેલું છે તેવો ઉલ્લેખ પણ કર્યો.
SIR સામે દેશવ્યાપી વિરોધની અપીલ
આ જ કાર્યક્રમમાં રેવંત રેડ્ડીએ SIR સામે દેશવ્યાપી વિરોધની વાત કરી. તેમણે કહ્યું કે ‘સાયમન, ગો બેક’ આંદોલનની જેમ ‘SIR ગો બેક’ અભિયાન ચલાવવામાં આવશે. તેમણે વિપક્ષી પક્ષોના નેતાઓને આ મુદ્દે એકજૂટ થવાની અપીલ કરી અને મમતા બેનર્જી, ઉદ્ધવ ઠાકરે તથા એમ.કે. સ્ટાલિનનાં નામ લીધાં.
રેવંત રેડ્ડીએ આરોપ મૂક્યો કે SIRનો હેતુ મતદારોનાં નામ દૂર કરીને ભાજપને ફાયદો પહોંચાડવાનો છે. તેમણે કેન્દ્ર સરકારના ડિફેન્સ, હોમ અને કોમર્સ જેવા મહત્વપૂર્ણ મંત્રાલયો ઉત્તર ભારતના નેતાઓ પાસે હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો. શિક્ષણ ક્ષેત્રે પોતાની સરકારના ફોકસની વાત કરતાં તેમણે યંગ ઇન્ડિયા સ્કિલ્સ યુનિવર્સિટીનો પણ ઉલ્લેખ કર્યો.
