દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને મળવાની માગ સાથે વિરોધ કરી રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓને દિલ્હી પોલીસે મંગળવારે રાત્રે મુક્ત કર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી સહિત લગભગ 250 લોકોને રાત્રે 8 વાગ્યે આકાશવાણી પરિસરમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તેમને રાત્રે 10 વાગ્યે મુક્ત કરવામાં આવ્યા.
રાહુલ ગાંધી જ્યારે પોલીસ લાઇનમાંથી બહાર આવ્યા ત્યારે તેમના હાથમાં બંધારણની નકલ હતી. તેઓ બપોરે 12 વાગ્યાથી જ્ઞાનેશ કુમારને મળવાની માગ સાથે ધરણા પર બેઠા હતા. પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે ધરણામાં જોડાયા હતા.
સંસદથી ચૂંટણી પંચ સુધી માર્ચ
રાહુલ ગાંધીની આગેવાનીમાં વિપક્ષી પક્ષોની ‘સેવ ડેમોક્રેસી માર્ચ’ સવારે સંસદથી શરૂ થઈ હતી. પોલીસએ બપોરે લગભગ 12:30 વાગ્યે આકાશવાણી પાસે માર્ચ અટકાવી દીધી હતી. ત્યારબાદ રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ ત્યાં જ ધરણા પર બેસી ગયા હતા.
રાહુલ ગાંધીનો દાવો હતો કે 20 વિપક્ષી પક્ષોના 300થી વધુ સાંસદોને મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોને મળતા રોકવામાં આવ્યા. તેમણે આને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનું અપમાન ગણાવ્યું.
પોલીસ અને ચૂંટણી પંચનું વલણ
દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે INDIA બ્લોકના નેતાઓની માર્ચ અંગે સોશિયલ મીડિયા મારફતે માહિતી મળી હતી, પરંતુ માર્ચ માટે કોઈ અરજી કરવામાં આવી નહોતી અને પોલીસ તરફથી પરવાનગી પણ આપવામાં આવી નહોતી. પ્રતિબંધાત્મક આદેશના સંભવિત ભંગને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, પ્રદર્શનકારીઓને વારંવાર શાંતિપૂર્ણ રીતે સ્થળ છોડવાની અપીલ કરવામાં આવી હતી. જોકે તેઓ ત્યાંથી ન હટતાં કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસએ આકાશવાણી ભવનની બહાર મોટી સંખ્યામાં સુરક્ષા દળ, મહિલા પોલીસ અને બસોની વ્યવસ્થા કરી હતી.
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે સાંજે 4 વાગ્યા સુધી કોઈ રાજકીય પક્ષે પોતાના પ્રતિનિધિઓ મારફતે પંચને મળવા માટે ઔપચારિક વિનંતી કરી નહોતી. પંચના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી અથવા INDIA બ્લોકના નેતાઓએ મુખ્ય ચૂંટણી કમિશનરને મળવા માટે એપોઇન્ટમેન્ટ કે પ્રસ્તાવ આપ્યો નહોતો.
વિપક્ષની માગણીઓ
વિપક્ષી પક્ષો જ્ઞાનેશ કુમારના રાજીનામા, મતદાર યાદી સાથે જોડાયેલી વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા એટલે કે SIR રદ કરવાની અને ચૂંટણીમાં બેલેટ પેપરનો ફરી ઉપયોગ કરવાની માગ કરી રહ્યા છે. તેમની માગ છે કે મતદાર યાદીમાં નામ ઉમેરવા, કાઢવા અને સુધારાની સંપૂર્ણ માહિતી બૂથ તથા વિધાનસભા સ્તરે જાહેર કરવામાં આવે.
વિપક્ષે એવું પણ કહ્યું છે કે કોઈ કાયદેસર મતદારનું નામ મતદાર યાદીમાંથી કાઢતાં પહેલાં નોટિસ અને અપીલની તક આપવી જોઈએ. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ મુદ્દાને યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને ગરીબોના અધિકારો સાથે જોડાયેલો ગણાવ્યો છે.
સત્તારૂઢ પક્ષના નેતા શિવરાજ સિંહ ચૌહાણે વિપક્ષના વિરોધને જનાદેશનું અપમાન ગણાવ્યું અને કહ્યું કે આ લોકશાહીની ચિંતા નહીં, પરંતુ ચૂંટણીમાં મળેલી હારની ખીજ છે.
