પુણેમાં મહારાષ્ટ્ર લોકસેવા આયોગ (MPSC)ની પરીક્ષા અને ભરતી પ્રક્રિયાને લગતી માંગણીઓ સાથે ચાલી રહેલા ઉમેદવારોના આંદોલનને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ સમર્થન આપ્યું છે. સોમવારે SM જોશી બ્રિજ ખાતે પહોંચેલા ઠાકરેએ પેપર લીક, પરીક્ષાઓ સમયસર ન યોજાવા, પરિણામોમાં વિલંબ અને યુવાનો માટે રોજગારના અભાવને લઈને રાજ્ય સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા.

આંદોલનનું નેતૃત્વ ધારાસભ્ય રોહિત પવાર કરી રહ્યા છે અને તે પાંચ દિવસથી ચાલી રહ્યું છે. ઉમેદવારો MPSCના અધ્યક્ષ વિવેક ભીમણવારના રાજીનામાની પણ માંગ કરી રહ્યા છે. ઠાકરેએ કહ્યું કે વિદ્યાર્થીઓએ જાતિના આધારે વિભાજિત થયા વિના એકતા જાળવવી જોઈએ અને ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવું જોઈએ. તેમણે MNS તરફથી આંદોલનને સમર્થન આપવાની ખાતરી આપી હતી.

ઠાકરેએ ઉમેદવારોને સંબોધતાં કહ્યું કે તેઓ ભાષણ આપવા નહીં, પરંતુ વિદ્યાર્થીઓના ગુસ્સામાં જોડાવા આવ્યા છે. તેમના કહેવા પ્રમાણે, ઉમેદવારો વર્ષો સુધી અભ્યાસ કરે છે, પરંતુ પરીક્ષાઓ સમયસર યોજાતી નથી અને પરિણામો પણ મોડાં આવે છે. તેમણે વિદ્યાર્થીઓને અપીલ કરી કે તેમનો ગુસ્સો માત્ર થોડા સમય માટે રસ્તા પર ઉતરવા પૂરતો ન રહે, કારણ કે સતત દબાણથી જ વ્યવસ્થા જાગશે.

પેપર લીક અને રોજગારના મુદ્દે સરકારને ઘેરી

ઠાકરેએ કહ્યું કે રાજકારણીઓ પોતાના હિત માટે યુવાનોને જાતિના આધારે વહેંચે છે, જ્યારે બેરોજગારીને કોઈ જાતિ હોતી નથી. સરકાર પાસે રોજગાર માટે સ્પષ્ટ આયોજન હોવું જોઈએ અને યુવાનોને તેમનો હક મળવો જોઈએ, તેમ તેમણે જણાવ્યું.

મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારો અને મરાઠવાડાથી પુણે આવીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓનો ઉલ્લેખ કરતાં ઠાકરેએ કહ્યું કે આ યુવાનો પોતાની જરૂરિયાતોનો ત્યાગ કરીને દિવસ-રાત અભ્યાસ કરે છે. મહેનત પછી તેમના હાથમાં પેપર લીકના સમાચાર આવે તે યુવાનોના ભવિષ્ય સાથેનો અન્યાય છે, એવો તેમણે આક્ષેપ કર્યો.

તેમણે સરકારી નોકરીઓના અભાવ અને વિવિધ ક્ષેત્રોમાં ખાનગીકરણને લઈને પણ સવાલો કર્યા. આરક્ષણની માંગ સાથે સરકારી નોકરીઓની ઉપલબ્ધતા અંગે પણ ચર્ચા થવી જોઈએ, તેમ ઠાકરેએ કહ્યું. મહારાષ્ટ્રના યુવાનોને રોજગાર અને ન્યાય અપાવવા માટે તેઓ કોઈપણ વ્યક્તિ સમક્ષ રજૂઆત કરવા તૈયાર હોવાનું તેમણે જણાવ્યું.

અન્ય નેતાઓ અને મનોજ જરાંગેનું સમર્થન

સોમવારે શિવસેનાના સાંસદ ઓમપ્રકાશ રાજે નિંબાળકર અને NCP (SP)ના રાજ્ય પ્રમુખ શશિકાંત શિંદેએ પણ અલગ-અલગ સમયે વિરોધ સ્થળની મુલાકાત લીધી હતી. શિંદેએ સરકારને બે દિવસમાં ઉમેદવારોની માંગણીઓ અંગે નક્કર નિર્ણય લેવા સમયમર્યાદા આપી હતી. નિર્ણય નહીં લેવાય તો પક્ષ રસ્તા પર વધુ ઉગ્ર આંદોલન કરશે તેવી ચેતવણી તેમણે આપી.

NCP (SP)ના વરિષ્ઠ નેતા અનિલ દેશમુખ, કોંગ્રેસના પૂર્વ મંત્રી સતેાજ ઉર્ફે બંટી પાટીલ અને અન્ય પક્ષોના નેતાઓ પણ વિરોધ સ્થળે પહોંચ્યા હતા. રાજે નિંબાળકરની મુલાકાત દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે, પ્રદર્શનકાર વિવેકાનંદ પાટીલે સાંસદની હાજરીનું સન્માન કરવા અને આંદોલનને બદનામ ન થવા દેવાની અપીલ કરી હતી.

મરાઠા નેતા મનોજ જરાંગેએ પણ વિદ્યાર્થીઓની માંગણીઓ કેબિનેટની બેઠકમાં ઉકેલવા રાજ્ય સરકારને અપીલ કરી હતી. તેમણે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ચેતવણી આપી કે વિદ્યાર્થીઓને ન્યાય ન મળે તો મહારાષ્ટ્ર બંધનું આહ્વાન કરવાની ફરજ ન પડે. જરાંગેએ આ મુદ્દાને જાતિ કે રાજકારણથી ઉપર રાખીને ઉકેલવાની માંગ કરી અને વિદ્યાર્થીઓને ધીરજ જાળવવા કહ્યું.

ત્રણ સ્થળે વિરોધ બદલ 68 લોકોને નોટિસ

પુણે શહેર પોલીસે સદાશિવ પેઠ વિસ્તારમાં ત્રણ અલગ સ્થળે થયેલા વિરોધ કાર્યક્રમોના આયોજકો સહિત કુલ 68 પ્રદર્શનકારીઓને નોટિસ આપી છે. પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું કે આ ત્રણેય કાર્યક્રમો માટે પોલીસની પરવાનગી લેવામાં આવી ન હોવાથી તે ગેરકાયદે ગણાય છે.

પોલીસે વિરોધ સ્થળોના ડ્રોનથી ચિત્રણ કરનારાઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી છે. SM જોશી બ્રિજ પાસે વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો ન હતો, કારણ કે તેનાથી વિસ્તારમાં ટ્રાફિક જામ થવાની શક્યતા હતી. ઉમેદવારોએ તેમની માંગણીઓ માટે અલકા ટોકીઝ ચોક ખાતે રસ્તો રોકવાની ચીમકી આપી છે. સંભવિત સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ અધિકારીઓએ ત્યાં આયોજનની સમીક્ષા કરી હતી.