મહારાષ્ટ્રના પુણેમાં 65 વર્ષીય નિવૃત્ત મુખ્ય તબીબી અધિકારી પર કથિત હુમલો કરવા અને રૂ. 5 લાખની માગણી કરવા બદલ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, એક જાણીતી મરાઠી રિયાલિટી શોની સ્પર્ધક અને તેના 10 સાથીદારો સામે કેસ નોંધાયો છે. કાલેપડલ પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરી છે.

ફરિયાદી 2021માં પુણે કૅન્ટોનમેન્ટ હૉસ્પિટલના ચીફ મેડિકલ ઑફિસર પદેથી નિવૃત્ત થયા હતા અને એક સામાજિક સંસ્થા સાથે જોડાયેલા છે. સંસ્થાએ 1થી 3 સપ્ટેમ્બર દરમિયાન બાલ ગંધર્વ રંગમંદિરમાં કાર્યક્રમ યોજ્યો હતો. ફરિયાદ મુજબ, ઇન્ફ્લુએન્સરે કાર્યક્રમનો પ્રચાર કર્યો હોવાનો દાવો કરીને ઑગસ્ટથી ફોન અને મેસેજ મારફતે રૂ. 5 લાખ માગ્યા હતા. જોકે, ફરિયાદી અથવા સંસ્થાએ તેને કાર્યક્રમ માટે સત્તાવાર આમંત્રણ આપ્યું નહોતું અને પ્રચારની જવાબદારી પણ સોંપી નહોતી.

પોલીસના જણાવ્યા અનુસાર, 17 સપ્ટેમ્બરે ઇન્ફ્લુએન્સર અને તેના કેટલાક સાથીદારો ફરિયાદીના ઘરે ગયા હતા. તેઓ ઘરે હાજર ન હોવાથી તેમની પત્ની અને પુત્રને ધમકી આપ્યાનો આરોપ છે. 23 સપ્ટેમ્બરે આરોપીઓએ ફરિયાદીને એક ખાણીપીણીની જગ્યાએ બોલાવી ફરીથી પૈસાની માગણી કરી હતી.

ફરિયાદ મુજબ, બીજા દિવસે ઇન્ફ્લુએન્સર અને તેના સાથીદારો ઘરમાં ઘૂસી ગયા અને ફરિયાદી પર હુમલો કર્યો. હુમલામાં તેમને ઇજા થઈ હતી. સ્વસ્થ થયા બાદ તેમણે શુક્રવારે કાલેપડલ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.