પુણેમાં લગ્નના થોડા મહિનામાં 23 વર્ષીય IT કંપની કર્મચારીએ પોતાના સાસરિયાંના ઘરે જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. મહિલાના પરિવારે પતિ અને સાસુ-સસરા પર દહેજ માટે માનસિક તથા શારીરિક ત્રાસ આપવાનો આક્ષેપ કર્યો છે.

ફરિયાદ અનુસાર, મહિલાના લગ્ન 9 મેના રોજ ઓમકાર સંજય ઘિસારે સાથે થયા હતા. પરિવારે લગ્નમાં આશરે રૂ. 45 લાખ ખર્ચ્યા હતા અને 10 તોલા સોનું આપ્યું હતું. તેમ છતાં કાર ખરીદવા માટે રૂ. 5 લાખની માગણી ચાલુ રાખવામાં આવી હોવાનો પરિવારનો આરોપ છે.

મહિલા શરૂઆતમાં સાસરિયાં સાથે રહેતી હતી અને ત્યાર બાદ નોકરીને કારણે બેંગલુરુ ગઈ હતી. જૂનના અંતમાં પુણે પરત આવ્યા પછી તે સોફ્ટવેર કંપનીમાં કામ કરતી હતી અને સાસરિયાંના ઘરે રહેતી હતી.

માતા સાથે ફોન પર વાતચીત

ફરિયાદ મુજબ, 24 સપ્ટેમ્બરની રાત્રે મહિલાએ પોતાની માતા સાથે ફોન પર વાત કરી હતી અને સાસરિયાંમાં સહન કરવો પડતો ત્રાસ જણાવ્યો હતો. ત્યારબાદ આશરે રાત્રે 11.30 વાગ્યે તેના પતિએ પણ મહિલાના પરિવારનો સંપર્ક કર્યો હતો. પરિવારજનોનો મહિલાનો સંપર્ક ન થતાં તેઓ પુણે પહોંચ્યા હતા, જ્યાં તેમને તેના અવસાનની જાણ થઈ હતી.

મહિલાના પિતાની ફરિયાદ બાદ કાલેપડલ પોલીસે પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ દહેજ પ્રતિબંધક કાયદા હેઠળ તથા જીવન ટૂંકાવવાની ઘટના માટે ઉશ્કેરણીના આક્ષેપસર કેસ નોંધ્યો છે. પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, પતિ CNC મશીન ઓપરેટર તરીકે કામ કરે છે, જ્યારે મહિલા સોફ્ટવેર કંપનીમાં નોકરી કરતી હતી. દંપતીના પ્રેમલગ્ન થયા હોવાનું પણ પોલીસએ જણાવ્યું છે. ઘટનાની પરિસ્થિતિ અને દહેજ સંબંધિત આક્ષેપોની તપાસ ચાલુ છે.