પુણે શહેરમાં ગણપતિ વિસર્જન સરઘસ દરમિયાન નિર્ધારિત ડેસિબલ મર્યાદાનો ભંગ કરનારા 1,224 ગણપતિ મંડળો સામે પોલીસ કાર્યવાહી શરૂ કરવાની તૈયારી કરી રહી છે. પોલીસે શુક્રવાર અને શનિવારે શહેરમાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરનારા મંડળોના અવાજનું માપન કર્યું હતું.
પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે સોમવારે ડેપ્યુટી કમિશનરોને નિયમોનો ભંગ કરનારા મંડળો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવા સૂચના આપી હતી. પ્રથમ તબક્કામાં મંડળોને કારણદર્શક નોટિસ આપવામાં આવશે. મંડળોનો જવાબ મળ્યા બાદ કેસ નોંધવામાં આવશે.
પોલીસે ગણપતિ મંડળો માટે ‘ફોર બેસ, ફોર ટોપ’ સ્પીકર સિસ્ટમ લાગુ કરી હતી. સાથે જ પ્લાઝ્મા સ્પીકર અને પ્રેશર મિડ્સ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, વિસર્જન સરઘસ દરમિયાન કેટલાક સ્થળોએ અવાજનું સ્તર નક્કી કરાયેલી મર્યાદાથી વધુ નોંધાયું હતું. પોલીસે લાઉડસ્પીકર ઉપરાંત ઢોલ-તાશા ટીમોના ડેસિબલ સ્તરનું પણ રેકોર્ડિંગ કર્યું હતું.
પોલીસકર્મીઓને નિશાન બનાવ્યાનો આરોપ
આલકા ટૉકીઝ ચોક પાસે કેટલાક મંડળ સભ્યોએ ટ્રેક્ટર અને ટ્રેક્ટર ટ્રૉલી પર ઊભા રહી અશ્લીલ નૃત્ય કર્યું હોવાનો પોલીસનો આક્ષેપ છે. આ રીતે બંદોબસ્તમાં રહેલા પોલીસકર્મીઓને નિશાન બનાવનારા સભ્યોના વીડિયો પોલીસે ઉતાર્યા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આવા સભ્યો સામે પણ ટૂંક સમયમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
