નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના શતાબ્દી સમારોહમાં ભારતીય પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીને બિરદાવી હતી. મોદીએ કહ્યું હતું કે પાઇલટની ધીરજ, હાજરજવાબી અને હિંમતને કારણે 9/11 જેવી મોટી દુર્ઘટના ટળી હતી.

કંપની અને મીડિયા અહેવાલો અનુસાર, ફ્લાઇટ દરમિયાન સહ-પાઇલટે વિમાનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. કેપ્ટન સ્મિતે સ્થિતિ સંભાળી લેતાં વિમાનમાં સવાર અનેક લોકોના જીવ બચ્યા હતા. આ ઘટનામાં પાઇલટ ઘાયલ થયા હોવાનું પણ અહેવાલોમાં જણાવાયું છે અને તેમની સારવાર સાઉદી અરેબિયાની હોસ્પિટલમાં ચાલી રહી છે.

મોદીએ પરિવાર સાથે ફોન પર વાત કરી

વડાપ્રધાને જણાવ્યું હતું કે તેમણે કેપ્ટન સ્મિતની પત્ની, બહેન અને માતા-પિતા સાથે ફોન પર વાત કરી હતી. તેમણે પાઇલટની હિંમતને સલામ કરી અને ઘાયલ પાઇલટને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી હોવાનું કહ્યું હતું. ભારતીય મિશનો પણ આ મામલે સહાય કરી રહ્યાં હોવાનું જણાવાયું છે.

UPSCના 100 વર્ષ પૂર્ણ

આ પ્રસંગે નવી દિલ્હીના ભારત મંડપમમાં UPSCની શતાબ્દી ઉજવણીનું આયોજન થયું હતું. UPSCની સ્થાપના 1 ઓક્ટોબર, 1926ના રોજ થઈ હતી. શતાબ્દી કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને સ્મારક સિક્કો, ટપાલ ટિકિટ અને ‘100 Landmark Judgements – Shaping the Policies of UPSC and Public Service Commissions in India’ નામનું પુસ્તક બહાર પાડ્યું હતું.

બે દિવસીય કાર્યક્રમમાં રાજ્ય લોકસેવા આયોગોના અધ્યક્ષો અને સભ્યો, કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ, શિક્ષણવિદો તથા UPSCના અધિકારીઓએ ભાગ લીધો હતો.