નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું કે આજે વિશ્વ ભારતીય પાયલટની બહાદુરીની ચર્ચા કરી રહ્યું છે અને એક દિવસ એવો પણ આવશે જ્યારે દુનિયા ‘મેડ ઈન ઈન્ડિયા’ વિમાનોની વાત કરશે. તેમણે આ વાત નવી દિલ્હીમાં યોજાયેલી ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ને સંબોધતા કહી.
પ્રધાનમંત્રીએ ફ્લાયદુબઈના ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરનો ઉલ્લેખ કર્યો હતો. તાજેતરમાં વિમાનમાં બનેલી ગંભીર ઘટના દરમિયાન તેમની બહાદુરીની પ્રશંસા થઈ રહી છે. મોદીએ કહ્યું કે ભારતીય પાયલટની ક્ષમતા આજે વૈશ્વિક સ્તરે ચર્ચાઈ રહી છે, પરંતુ ભારતનું લક્ષ્ય માત્ર કુશળ માનવબળ પૂરતું મર્યાદિત ન રહેવું જોઈએ. દેશે પોતાનાં વિમાનો વિકસાવવાની અને વિશ્વસ્તરીય ઉડ્ડયન ઉત્પાદન ક્ષમતા ઊભી કરવાની દિશામાં આગળ વધવું જોઈએ.
‘વિકસિત ભારત’ માટે લાંબા ગાળાના લક્ષ્યો
મોદીએ કહ્યું કે આવા લક્ષ્યો હાંસલ કરવા માટે દૂરંદેશી નીતિઓ અને સતત મહેનત જરૂરી છે. તેમણે ભારતને 2047 સુધીમાં વિકસિત દેશ બનાવવો, વિશ્વનું અગ્રણી ઉત્પાદન કેન્દ્ર ઊભું કરવું, આત્મનિર્ભરતા વધારવી અને અવકાશ ક્ષેત્રમાં વધુ પ્રગતિ કરવી જેવા સંકલ્પોનો ઉલ્લેખ કર્યો.
પ્રધાનમંત્રીએ ભારતની યુવા વસ્તીને દેશની મોટી તક ગણાવી હતી. તેમણે કહ્યું કે ભારતના યુવાનો સ્ટાર્ટઅપથી લઈને રમતગમત સુધી વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા હાંસલ કરી શકે છે. ભારતને કૃત્રિમ બુદ્ધિમત્તા, ક્વાન્ટમ કમ્પ્યુટિંગ, જેનેટિક્સ અને આપત્તિ વ્યવસ્થાપન જેવા ક્ષેત્રોમાં વૈશ્વિક ઓળખ અપાવવાનું પણ તેમણે લક્ષ્ય ગણાવ્યું.
વડોદરાથી વિમાન ઉત્પાદનને મળેલી દિશા
ગુજરાત માટે ઉડ્ડયન ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ પ્રગતિ તરીકે વડોદરામાં Tata Advanced Systems અને Airbusનું C-295 વિમાન ઉત્પાદન કેન્દ્ર પહેલેથી કાર્યરત છે. આ પ્રોજેક્ટ હેઠળ કુલ 56 વિમાનમાંથી 16 વિમાન Airbus દ્વારા સ્પેનથી સીધાં આપવામાં આવનાર છે, જ્યારે બાકીના 40 વિમાન ભારતમાં બનાવવાના છે. આ સુવિધા ભારતના ખાનગી ક્ષેત્રની પ્રથમ સૈન્ય વિમાન Final Assembly Line તરીકે સ્થાપિત થઈ છે.
પ્રધાનમંત્રી અગાઉ પણ કહી ચૂક્યા છે કે વડોદરાની આ સુવિધા માત્ર સૈન્ય પરિવહન વિમાનના ઉત્પાદન પૂરતી નથી. તેનાથી કૌશલ્ય, સપ્લાય ચેઇન, MSME ભાગીદારી અને ભવિષ્યમાં સિવિલ વિમાન ક્ષેત્ર માટેનું ઇકોસિસ્ટમ વિકસાવવામાં મદદ મળી શકે છે.
મોદીએ ભારપૂર્વક કહ્યું કે ભારતની નીતિઓ અને મહેનતથી દેશને વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનાવવાનો માર્ગ તૈયાર થઈ રહ્યો છે. હવે દેશનું લક્ષ્ય ભારતીય ઉત્પાદનોને માત્ર દેશમાં ઉપયોગમાં લેવાનું નહીં, પરંતુ વિશ્વબજારમાં તેમની ઓળખ અને સ્વીકાર ઊભો કરવાનું છે.
