ગુજરાત હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી અંગેની માહિતી જાહેર કરવાના મામલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની અપીલ ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની ડિવિઝન બેન્ચે સિંગલ જજના અગાઉના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો કોઈ આધાર ન હોવાનું જણાવ્યું છે.

કોર્ટના નિર્ણય સાથે કેજરીવાલ પર લાદવામાં આવેલો ₹25,000નો ખર્ચ પણ યથાવત્ રહ્યો છે. સિંગલ જજે 31 માર્ચ, 2023ના આદેશમાં કેન્દ્રીય માહિતી પંચ (CIC)નો 2016નો નિર્દેશ રદ કર્યો હતો. આ નિર્દેશમાં ગુજરાત યુનિવર્સિટીને વડાપ્રધાન મોદીની ડિગ્રી સંબંધિત માહિતી આપવા કહેવામાં આવ્યું હતું.

કેજરીવાલની અપીલમાં શું પડકારવામાં આવ્યું હતું

અપીલની સુનાવણી દરમિયાન કેજરીવાલ તરફથી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ ₹25,000ના ખર્ચના આધાર પર સવાલ ઉઠાવ્યો હતો. દલીલ કરવામાં આવી હતી કે કેજરીવાલે મોદીની ડિગ્રી અંગેની કાર્યવાહી સતત આગળ ધપાવી નહોતી અને CICએ ઔપચારિક RTI અરજીના બદલે એક પત્રના આધારે સ્વપ્રેરિત રીતે કાર્યવાહી શરૂ કરી હતી.

ગુજરાત યુનિવર્સિટીની દલીલ હતી કે આ મામલે કેજરીવાલે કાર્યવાહી ચાલુ રાખી હતી. યુનિવર્સિટીએ અગાઉ એવી રજૂઆત પણ કરી હતી કે ડિગ્રી સંબંધિત દસ્તાવેજ ઓનલાઈન ઉપલબ્ધ છે.

2016થી ચાલતો વિવાદ

આ વિવાદ 2016માં શરૂ થયો હતો. તે સમયે CICએ દિલ્હી યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીને વડાપ્રધાન મોદીની ડિગ્રી અંગેની માહિતી આપવા નિર્દેશ આપ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીએ આ નિર્દેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ત્યારબાદ માર્ચ 2023માં સિંગલ જજે CICનો આદેશ રદ કરીને કેજરીવાલ પર ₹25,000નો ખર્ચ મૂક્યો હતો. હવે ડિવિઝન બેન્ચે પણ તે નિર્ણયને યથાવત્ રાખ્યો છે.