પુણેના પિમ્પરી વિસ્તારમાં ફૂટપાથ પર સૂતા 50 વર્ષીય દૈનિક મજૂર પ્રભાકર સરકાટેની હત્યા કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, નેહરુનગર વિસ્તારમાં વહેલી સવારે ચાર આરોપીઓએ સિમેન્ટના બ્લોકથી હુમલો કર્યો હતો. ઘટના સમયે આરોપીઓ પણ નશામાં હતા.

આ કેસમાં પોલીસે રોહિત ધોત્રે (24), પ્રવીણ નિકલજે (19) અને સચિન સાબળે (29)ની ધરપકડ કરી છે. તેમની સાથે રહેલા એક સગીરને અટકાયતમાં લેવામાં આવ્યો છે. ચારેય નેહરુનગર વિસ્તારના રહેવાસી હોવાનું પોલીસનું કહેવું છે.

ફૂટપાથ પર સૂતા હતા સરકાટે

પોલીસના જણાવ્યા અનુસાર, સરકાટે શનિવારે રાત્રે દારૂ પીધા બાદ ફૂટપાથ પર સૂઈ ગયા હતા. વહેલી સવારે આરોપીઓએ તેમને ત્યાં સૂતા જોયા અને સિમેન્ટનો બ્લોક ઉઠાવી તેમના પર હુમલો કર્યો. ગંભીર ઈજાઓને કારણે તેમનું મૃત્યુ થયું હતું.

સંત તુકારામનગર પોલીસના સહાયક પોલીસ નિરીક્ષક અતુલ શેટેના જણાવ્યા અનુસાર, આરોપીઓ અને સરકાટે વચ્ચે અગાઉ કોઈ ઓળખાણ કે દુશ્મની નહોતી. પોલીસ તપાસમાં હત્યા પાછળ કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી.

CCTVથી આરોપીઓ સુધી પહોંચી પોલીસ

હુમલા બાદ ચારેય આરોપીઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. પોલીસે આસપાસના CCTV કેમેરાના ફૂટેજની મદદથી તેમની ઓળખ કરી અને ત્રણ પુખ્ત આરોપીઓને ઝડપી લીધા હતા. એક સગીરને કાયદેસરની કાર્યવાહી હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યો છે.

પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી કોઈ પાસે નોકરી નહોતી. કેસની વધુ તપાસ સંત તુકારામનગર પોલીસ કરી રહી છે. આરોપીઓ સામે કાયદા મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.