પાવાગઢમાં ભદ્રકાળી માતાજીના મંદિર નજીક ખીણમાં પડી જતાં વાઘોડિયા તાલુકાના કોદરવાયા વસાહતમાં રહેતા 35 વર્ષીય અનિલભાઈ શંકરભાઈ ભીલનું મોત થયું છે. અહેવાલ મુજબ, આશરે 400 ફૂટ ઊંડી ખીણમાંથી તેમને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા. સારવાર માટે હાલોલ લઈ જતી વખતે રસ્તામાં તેમનું મૃત્યુ થયું હતું.
મૂળ મધ્યપ્રદેશના વતની અનિલભાઈ મંગળવારે પોતાના સંબંધી સાથે મહાકાળી માતાજીનાં દર્શન કરવા પાવાગઢ આવ્યા હતા. દર્શન કર્યા બાદ બપોરે આશરે 12 વાગ્યે તેઓ ભદ્રકાળી માતાજીના મંદિર નજીકથી પગપાળા પસાર થઈ રહ્યા હતા. તે સમયે તેઓ અચાનક ખીણમાં પડી ગયા હતા. તેઓ કઈ રીતે ખીણમાં પડ્યા તેનું કારણ સ્પષ્ટ થયું નથી.
તેમની સાથે આવેલા સંબંધી અને આસપાસના લોકોએ મદદ માટે બૂમો પાડતાં લોકો એકત્ર થયા હતા. ઘટનાની જાણ થતાં પાવાગઢ પોલીસ તથા નવરાત્રિની ફરજ માટે તહેનાત હાલોલ નગરપાલિકાની ફાયર અને રેસ્ક્યૂ ટીમ સ્થળ પર પહોંચી હતી.
દોરડાંની મદદથી ખીણમાં ઊતરી બચાવ કામગીરી
ઊંડી ખીણમાં પડેલા અનિલભાઈ સુધી પહોંચવા માટે બચાવકર્મીઓએ દોરડાંનો સહારો લીધો હતો. અહેવાલ મુજબ, તેમને બહાર કાઢવાની કામગીરીમાં ચારથી સાડા ચાર કલાક લાગ્યા હતા. ખીણમાં પહોંચેલી ટીમને અનિલભાઈ માથા અને પગમાં ગંભીર ઇજાઓ સાથે મળ્યા હતા.
બચાવકર્મીઓએ તેમને ઝોળીમાં રાખીને ખીણમાંથી બહાર કાઢ્યા હતા. તે સમયે તેઓ જીવિત હતા, પરંતુ તેમની હાલત ગંભીર હતી. ત્યારબાદ તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલની સરકારી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર માટે રવાના કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ એમ્બ્યુલન્સમાં તેમનું મૃત્યુ થયું હતું. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ કરીને તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં પરિવારજનો પણ હાલોલની સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા.
પાવાગઢ પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મોતની નોંધ કરી છે. ઘટનાની વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
