ઉત્તર ભારતમાં સતત વરસાદને કારણે અનેક રાજ્યોમાં પૂર, ભૂસ્ખલન અને માર્ગ અવરોધની સ્થિતિ સર્જાઈ છે. ઉત્તર પ્રદેશમાં ચાર દિવસથી પડી રહેલા વરસાદને કારણે અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. ગોંડા અને બદાયૂંમાં નાના પુલો ઉપરથી પાણી વહી રહ્યું છે. રાજ્યમાં 8 નદીઓ જોખમની સપાટીથી ઉપર વહેતી હોવાનું જણાવાયું છે.

ઉત્તર પ્રદેશના 46 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કુશીનગરમાં બે ગામોના 1,400 પરિવારો વરસાદ અને પૂરની અસર હેઠળ આવ્યા છે. વરસાદ અને વાવાઝોડાને કારણે છેલ્લા બે દિવસમાં 63 લોકોનાં મોત થયાં હોવાની માહિતી છે.

હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લામાં સોમવારે સવારે જંગલીખ પુલ પાસે ભૂસ્ખલન થયું હતું. 100 ફૂટથી વધુ ઊંચો પહાડ આશરે 25થી 26 સેકન્ડ સુધી ધસી પડ્યો હતો. કાટમાળ રસ્તા પર આવી જતાં માર્ગ બંધ થઈ ગયો છે.

બિહાર અને મહારાષ્ટ્રમાં પણ પૂર જેવી સ્થિતિ

નેપાળથી ગંડક નદીમાં પાણી છોડાયા બાદ બિહારના પશ્ચિમ ચંપારણ અને સુપૌલ જિલ્લાના 23 ગામોમાં પૂર આવ્યું છે. આ પરિસ્થિતિથી લગભગ 82 હજાર લોકો પ્રભાવિત થયા છે. છત્તીસગઢમાં ભારે વરસાદની અસરથી મહારાષ્ટ્રના ગઢચિરૌલીના અનેક વિસ્તારોમાં પણ પૂર જેવી સ્થિતિ છે.

મધ્ય પ્રદેશના જબલપુર, સાગર, શહડોલ અને રીવા સંભાગોમાં ત્રણ દિવસથી વરસાદ ચાલુ છે. ઉત્તરકાશીના ઊંચાઈવાળા વિસ્તારોમાં 136 પર્વતારોહક, ટ્રેકર્સ અને સપોર્ટ સ્ટાફ ફસાયેલા છે. તેમાં 89 લોકો હાઈ-ઍલ્ટિટ્યૂડ અભિયાનમાં, 18 કાલિન્દી પાસ બેઝ કેમ્પમાં અને 29 ઓડેન કોલ પાસ બેઝ કેમ્પમાં હોવાનું જણાવાયું છે. વહીવટી તંત્ર તેમની સુરક્ષિત બહારકાઢવાની કામગીરીમાં લાગેલું છે, જ્યારે ભોજન, રહેવા અને પ્રાથમિક સારવારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

બદાયૂંના બક્સેના ગામમાં આશરે 70 વર્ષ જૂની કોઠી સતત વરસાદ વચ્ચે ધરાશાયી થઈ હતી. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કાટમાળમાં સામાન દબાઈ ગયો હતો.