છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામે આવેલા ધોધમાં નહાવા પડેલા રાજપીપળા મેડિકલ કોલેજના વિદ્યાર્થીનું ડૂબી જવાથી મોત થયું છે. મિત્રો સાથે ધોધ પર ફરવા ગયેલા વિદ્યાર્થીઓના જૂથમાં સામેલ મૂળ રાજસ્થાનના જયપુરના રહેવાસી રાહુલ પુનિયા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ, રાજપીપળા મેડિકલ કોલેજના 6થી 7 વિદ્યાર્થીઓ કુકરદા ધોધ પર પ્રવાસે ગયા હતા. દરમિયાન રાહુલ પાણીમાં ગરકાવ થતાં સાથી વિદ્યાર્થીઓએ બૂમાબૂમ કરી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક ગ્રામજનો પણ સ્થળ પર પહોંચ્યા હતા અને કલાકોની મહેનત બાદ રાહુલનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યો હતો.

દુર્ગમ રસ્તાને કારણે 108ની ટીમે પગપાળા જવું પડ્યું

ઘટનાની જાણ થતાં 108 ઇમરજન્સી સેવાની ટીમ કુકરદા ધોધ તરફ રવાના થઈ હતી. જોકે, ધોધ સુધી પહોંચવાનો રસ્તો દુર્ગમ હોવાથી 108ના કર્મચારીઓએ આશરે 2 કિલોમીટર સુધી પગપાળા ચાલીને સ્થળ પર પહોંચવું પડ્યું હતું. ત્યારબાદ સ્થાનિકોની મદદથી મૃતદેહને બહાર લાવવામાં આવ્યો હતો.

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે મૃતક વિદ્યાર્થીના પરિવારજનો અને સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં શોકની લાગણી પ્રસરી છે.

પોલીસે ઘટનાની નોંધ લઈ કાયદેસરની તપાસ હાથ ધરી છે. કુકરદા ધોધ જેવા કુદરતી સ્થળોએ પાણીની ઊંડાઈ અને રસ્તાની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓએ સાવચેતી રાખવાની જરૂરિયાત ફરી એકવાર સામે આવી છે.