મુંબઈ પોલીસે કૉકરોચ જનતા પાર્ટી (CJP)ને 2 ઓક્ટોબરે શિવાજી પાર્કમાં યોજાનારા પ્રદર્શન માટે મંજૂરી આપી નથી. આ પ્રદર્શન ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ યોજાવાનું હતું.

પોલીસે મંજૂરી ન આપવાના કારણોમાં હાઈકોર્ટના નિર્દેશો, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની પરવાનગી ન હોવી અને ટ્રાફિક પર પડનારી અસરનો ઉલ્લેખ કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, શિવાજી પાર્ક સાઇલેન્સ ઝોનમાં આવે છે અને તેની આસપાસ રહેણાક વિસ્તાર છે. પ્રદર્શનને કારણે ટ્રાફિક જામ સર્જાવાની તેમજ નજીકની હોસ્પિટલોમાં જતા ઇમરજન્સી વાહનોની અવરજવર પ્રભાવિત થવાની આશંકા છે. આયોજકોને મુંબઈમાં અન્ય સ્થળ પસંદ કરવાની સલાહ આપવામાં આવી છે.

CJPની જેલ ભરો આંદોલનની જાહેરાત

CJPના સ્થાપક અભિજીત દીપકેએ કહ્યું કે નાગરિકોના અવાજને દબાવવાના પ્રયાસો સ્વીકાર્ય નથી. તેમણે જણાવ્યું કે પ્રદર્શનના અધિકારથી વંચિત રાખવામાં આવશે તો ગાંધી જયંતિના દિવસે મુંબઈમાં જેલ ભરો આંદોલન શરૂ કરવામાં આવશે.

24 સપ્ટેમ્બરે CJPએ જ્ઞાનેશ કુમારને 48 કલાકમાં રાજીનામું આપવાનું અલ્ટિમેટમ આપ્યું હતું. પક્ષે દાવો કર્યો હતો કે તેમનું રાજીનામું ન આવે તો દેશવ્યાપી આંદોલન કરવામાં આવશે અને ત્યારબાદ દિલ્હીમાં પ્રદર્શન યોજાશે.

દીપકેએ SIR પ્રક્રિયા દ્વારા 13 કરોડથી વધુ મતદારોનાં નામ દૂર કરાયા હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે આ પ્રક્રિયાને લઈને ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. આ આરોપો અંગે આયોગે જણાવ્યું છે કે SIRમાં નામ રહી ગયેલા લોકો સતત મતદાર યાદી સુધારણા પ્રક્રિયા હેઠળ સંબંધિત ERO સમક્ષ નામ ઉમેરવા માટે અરજી કરી શકે છે. યુવાનો અને પ્રથમ વખત મતદાન કરનારા લોકો માટે પણ અરજીની જોગવાઈ હોવાનું આયોગે કહ્યું છે.

ચૂંટણી પંચે અગાઉ જણાવ્યું હતું કે SIR દરમિયાન 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી 13.37 કરોડ નામ ઓછાં થયાં છે. આયોગના જણાવ્યા અનુસાર દેશમાં 96.88 કરોડથી વધુ મતદારો છે. SIRના ત્રીજા તબક્કામાં દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત 16 રાજ્યો તથા 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 36.73 કરોડ મતદારોની ચકાસણી કરવાની પ્રક્રિયા 30 મેથી 23 ડિસેમ્બર સુધી ચાલવાની છે.