મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ દુબઈથી આવેલા ત્રણ ભારતીય મુસાફરો પાસેથી 9.40 કિલો વિદેશી મૂળનું સોનું જપ્ત કર્યું છે. જપ્ત કરાયેલા સોનાની કિંમત આશરે ₹14.81 કરોડ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
DRI અને મુંબઈ એરપોર્ટ કસ્ટમ્સની એર ઇન્ટેલિજન્સ યુનિટે 23 સપ્ટેમ્બરની વહેલી સવારે મળેલી ચોક્કસ બાતમીના આધારે મુસાફરોને અટકાવ્યા હતા. સામાનની તપાસ દરમિયાન અંદાજે 33.50 કિલો ખાદ્યપદાર્થોમાં સોનાનો બારીક પાઉડર ભેળવાયેલો મળી આવ્યો હતો.
દૂધ પાઉડર, ઓટ્સ, વિવિધ પ્રકારના લોટ, ન્યુટેલા અને કોકોનટ મિલ્ક પાઉડર જેવા પેકેટોમાં સોનું છુપાવાયું હતું. તપાસ બાદ પાઉડરમાંથી 9.40 કિલો સોનું અલગ કરીને કસ્ટમ્સ કાયદા હેઠળ જપ્ત કરવામાં આવ્યું.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ત્રણેય મુસાફરોની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન તેઓ સંગઠિત સોનું-દાણચોરી સિન્ડિકેટ માટે કુરિયર તરીકે કામ કરતા હોવાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. DRI હવે આ નેટવર્ક સાથે સંકળાયેલા હેન્ડલર્સ અને અન્ય લોકોની ભૂમિકા અંગે તપાસ કરી રહી છે.
