મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ગહુંજે વિસ્તારમાં આવેલા લોઢા બેલમોન્ડો કોમ્પ્લેક્સના ભાડાના ફ્લેટમાંથી 34 વર્ષીય મુગ્ધા અવિનાશ દેશમુખનો મૃતદેહ મળી આવ્યો. છત્રપતિ સંભાજીનગરની રહેવાસી મુગ્ધા MBAના અભ્યાસ માટે લંડન ગઈ હતી, પરંતુ ઓગસ્ટમાં ભારત પરત આવ્યા બાદ પુણેમાં રહેવા લાગી હતી. પરિવારને તેના પરત આવ્યાની જાણ નહોતી અને તે લંડનમાં જ અભ્યાસ કરતી હોવાનું માનતો હતો.

પરિવાર 24 ઑક્ટોબરથી મુગ્ધાનો સંપર્ક કરી શક્યો નહોતો. ફોન બંધ મળતાં તેના પિતાએ લંડનમાં રહેતી મુગ્ધાની એક મિત્રનો સંપર્ક કર્યો. મિત્રએ જણાવ્યું કે તેની મુગ્ધા સાથે છેલ્લી વાતચીત 22 ઑક્ટોબરે થઈ હતી. મિત્રએ લંડન પોલીસને જાણ કરતાં ત્યાંની પોલીસ પાસેથી જાણવા મળ્યું કે મુગ્ધા ઓગસ્ટમાં જ UK છોડી ચૂકી હતી.

પરિવારે ભારતીય અધિકારીઓ અને ભારતીય હાઈ કમિશનનો સંપર્ક કર્યો. પિતાએ બેંક વ્યવહારો તપાસતાં 8થી 25 ઑક્ટોબર દરમિયાન ફૂડ ડિલિવરી અને અન્ય ઑનલાઈન સેવાઓના અનેક વ્યવહારો જોવા મળ્યા. તેમાં છત્રપતિ સંભાજીનગરના ઉસ્માનપુરા વિસ્તાર સાથે જોડાયેલો વ્યવહાર પણ હતો. આ વિગતોના આધારે પરિવારે મુગ્ધા ભારતમાં હોવાની આશંકા વ્યક્ત કરી અને છત્રપતિ સંભાજીનગર પોલીસનો સંપર્ક કર્યો.

વ્યવહારોની કડીથી પુણેના ફ્લેટ સુધી

પોલીસે વ્યવહારો અને અન્ય માહિતીની તપાસ કરીને મુગ્ધાનું ઠેકાણું પુણેના ગહુંજેમાં આવેલા લોઢા બેલમોન્ડો કોમ્પ્લેક્સમાં શોધ્યું. સ્થાનિક પોલીસ ફ્લેટ પર પહોંચી ત્યારે દરવાજો બંધ હતો. ચાવી બનાવનારની મદદથી દરવાજો ખોલતાં અંદર મુગ્ધાનો મૃતદેહ મળી આવ્યો.

પોલીસના જણાવ્યા અનુસાર, મુગ્ધાએ ફ્લેટ એપ્રિલમાં ભાડે લીધો હતો અને ઓગસ્ટમાં ભારત પરત આવ્યા બાદ ત્યાં રહેવા લાગી હતી. તેના શરીર પર ઈજાનાં દેખીતા નિશાન મળ્યાં નહોતાં. પોલીસ મૃત્યુની પરિસ્થિતિ જાણવા મોબાઇલ ફોન અને બેંક વ્યવહારો સહિતની માહિતી તપાસી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે; મૃત્યુનું ચોક્કસ કારણ તપાસ અને તબીબી અહેવાલો બાદ જ સ્પષ્ટ થશે.