ઉત્તર પ્રદેશના મેરઠમાં સૌરભ રાજપૂતની હત્યાના કેસમાં જિલ્લા કોર્ટે મુસ્કાન અને તેના સાથી સાહિલને ફાંસીની સજા ફટકારી છે. જિલ્લા જજ અરવિંદ કુમાર મિશ્રાએ બુધવારે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે બંનેનો પક્ષ સાંભળ્યા બાદ સજાનો હુકમ સંભળાવ્યો. 30 સપ્ટેમ્બરે કોર્ટે બંનેને હત્યાના કેસમાં દોષિત ઠેરવ્યા હતા.

સજાની જાહેરાત પહેલાં સવારે 10.30 વાગ્યે જજે જેલમાં રહેલા મુસ્કાન અને સાહિલ સાથે વીડિયો કોન્ફરન્સિંગથી વાત કરી હતી. જજે મુસ્કાનને પૂછ્યું કે તે કઈ સજા ઇચ્છે છે. તેના જવાબમાં મુસ્કાને કહ્યું કે તેની દીકરી નાની છે અને તેની સંભાળ રાખવામાં આવે. ત્યાર બાદ તે મૌન રહી હતી. સાહિલને પણ એ જ સવાલ પૂછાયો હતો, પરંતુ તેણે જવાબ આપ્યો નહોતો.

સરકારી અને બચાવ પક્ષની દલીલો

સરકારી વકીલ કે.કે. ચૌબેએ બંને માટે ફાંસીની સજાની માગ કરી હતી. બચાવ પક્ષનાં વકીલ રેખા જૈને કોર્ટ સમક્ષ મુસ્કાનની બે દીકરીઓ અને વૃદ્ધ માતા-પિતાનો ઉલ્લેખ કરીને ઓછીમાં ઓછી સજા કરવાની દલીલ કરી હતી. સજાનો નિર્ણય લેતા પહેલાં કોર્ટે બંને આરોપીઓનો પક્ષ સાંભળ્યો હતો.

મુસ્કાનનાં માતા-પિતાએ પણ બુધવારે પત્ર લખીને પોલીસ મારફતે કોર્ટને આપ્યો હતો. પત્રમાં તેમણે દીકરીને મળવા ઇચ્છતા ન હોવાનું અને તેને કડકમાં કડક સજા થવી જોઈએ એવું લખ્યું હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

કેસની સુનાવણી અને પુરાવા

સૌરભ રાજપૂતની હત્યા 3 માર્ચ, 2025ના રોજ થઈ હતી. તેમના મૃતદેહના પાંચ ટુકડા કરીને વાદળી રંગના ડ્રમમાં મૂકવામાં આવ્યા હતા. કેસની સુનાવણી જુલાઈ, 2025માં જિલ્લા કોર્ટમાં શરૂ થઈ હતી. 30 સપ્ટેમ્બરે કોર્ટે મુસ્કાન અને સાહિલને દોષિત ઠેરવ્યા હતા; બુધવારે સજાનો નિર્ણય આવ્યો.

કોર્ટમાં રજૂ થયેલા પુરાવામાં સાહિલને હત્યાની રાત્રે સૌરભના ઘરે જોયા હોવાની સાક્ષી, મુસ્કાન અને સાહિલની નિશાનદેહી પર મળેલાં હથિયારો તથા તેના પર માનવ રક્ત મળ્યાનો દાવો સામેલ હતો. બંનેની કોલ વિગતો અને સોશિયલ મીડિયા ચેટ, હોટલનાં ફૂટેજ તથા મેનેજરોનાં નિવેદનો પણ રજૂ કરાયાં હતાં. સૌરભના મિત્ર સંજીવ પાલ અને તેમની માતા રેનૂની કોલ વિગતોનો પણ ઉલ્લેખ થયો હતો. કેસમાં કુલ 22 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી.