જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ શુક્રવારે સુરક્ષા અધિકારીઓને આતંકવાદીઓ સામેની કાર્યવાહી પૂરતી ન રાખતાં તેમને ટેકો આપતા આતંકવાદી અને અલગતાવાદી માળખાને પણ તોડવા જણાવ્યું. જમ્મુ વિભાગની સુરક્ષા સ્થિતિ, શિયાળાની તૈયારી અને મુખ્ય માળખાકીય યોજનાઓની સમીક્ષા માટે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ સૂચના અપાઈ હતી.
સિંહાએ પોલીસ અને વહીવટી તંત્રને શિયાળા દરમિયાન દેખરેખ વધારવા તથા સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખવા કહ્યું. આતંકવાદી કે અલગતાવાદી તત્ત્વો સાથે જોડાયેલી મિલકતો જપ્ત કરીને સરકાર હસ્તક લેવા માટે દરેક જિલ્લામાં નોડલ અધિકારી નીમવા અને જિલ્લા પ્રમાણે લક્ષ્યાંક નક્કી કરવાની સૂચના પણ આપી.
બેઠકમાં નશીલા પદાર્થોની હેરાફેરી અને નાર્કો-આતંકવાદ સામેની કાર્યવાહી ચાલુ રાખવા પર ભાર મૂકાયો. સિંહાએ ‘નશામુક્ત જમ્મુ-કાશ્મીર અભિયાન’ના અમલ બદલ વહીવટીતંત્ર અને પોલીસની પ્રશંસા કરી અને અભિયાન સમાન તીવ્રતાથી આગળ ધપાવવા જણાવ્યું. તેમણે ગેરકાયદે ખનન તથા પશુઓની તસ્કરી સામે કડક પગલાં લેવા પણ કહ્યું.
નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ નજીક અતિક્રમણ પર નજર રાખવા તથા ખોટા સમાચારનો સામનો કરવા સંયુક્ત સોશિયલ મીડિયા સેલ રચવાની સૂચના અપાઈ. નાગરિકોની ફરિયાદોનો ન્યાયી નિકાલ કરવા અસરકારક વ્યવસ્થા ઊભી કરવાની પણ વાત થઈ. બેઠકમાં જમ્મુ વિભાગની શિયાળાની તૈયારીઓ, માળખાકીય યોજનાઓ અને ‘વાઇબ્રન્ટ વિલેજિસ પ્રોગ્રામ’ની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી.
