વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર, 29 નવેમ્બરે ‘મન કી બાત’ના 140મા એપિસોડમાં યુવાનોમાં નશાની લત, સરકારી કર્મચારીઓના કૌશલ્યવર્ધન અને ખોવાયેલા મોબાઇલ શોધવામાં મદદરૂપ સંચાર સાથી સહિતના મુદ્દાઓ પર વાત કરી. તેમણે ગુજરાતના વડનગરમાં આવેલા અનંત અનાદિ આર્કિયોલોજિકલ મ્યુઝિયમનો પણ ઉલ્લેખ કર્યો.

યુવાનોમાં નશાની લત અંગે ચિંતા

મોદીએ કહ્યું કે ભારતીય યુવાનો મોટા સપનાં જોઈ રહ્યા છે અને તેને સાકાર કરવા મહેનત કરી રહ્યા છે, પરંતુ નશાની લત તેમના ભવિષ્ય સામે મોટો પડકાર બની શકે છે. નશા સામે સમાજની ભાગીદારી વધી રહી હોવાનો સંતોષ વ્યક્ત કરતાં તેમણે ‘નશા મુક્ત યુવા અભિયાન’નો ઉલ્લેખ કર્યો. તેમના કહેવા પ્રમાણે, નશાની લતમાંથી બહાર આવીને જીવનને નવી દિશા આપનારા યુવાનોના અનુભવો અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની શકે છે.

સરકારી કર્મચારીઓ માટે iGOT કર્મયોગી

વડાપ્રધાને સતત નવી બાબતો શીખવાના મહત્ત્વની વાત કરતાં iGOT કર્મયોગી પ્લેટફોર્મનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે આ પોર્ટલ પર 17 ભાષામાં 7,000થી વધુ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે અને લાખો સરકારી કર્મચારીઓએ અનેક અભ્યાસક્રમ પૂર્ણ કર્યા છે. કેટલાક કર્મચારીઓ AI તો કેટલાક ભારતીય સાંકેતિક ભાષા શીખી રહ્યા હોવાનું પણ તેમણે કહ્યું. લાંબા સમયથી સરકારી સેવામાં રહેલા કર્મચારીઓ પણ નવી કુશળતા મેળવવા સમય ફાળવે છે, તે બાબતનો તેમણે ઉલ્લેખ કર્યો.

સંચાર સાથીના ઉપયોગ અંગે માહિતી

મોદીએ ખોવાયેલા મોબાઇલ અંગે પોલીસમાં ફરિયાદ કરવાની સાથે સંચાર સાથી પ્લેટફોર્મ પર IMEI નંબર અને જરૂરી વિગતો આપીને ફોન બ્લોક કરાવવાની વાત કરી. તેમના જણાવ્યા મુજબ, ફોન બ્લોક થયા પછી તેમાં નવું સિમ નાખીને મોબાઇલ નેટવર્ક પર તેનો ઉપયોગ કરી શકાતો નથી. તેમણે કહ્યું કે પોર્ટલને 30 કરોડથી વધુ મુલાકાતો મળી છે અને તેની એપ લગભગ 3 કરોડ વખત ડાઉનલોડ થઈ છે.

વડાપ્રધાનના જણાવ્યા અનુસાર, બેંકો, પેમેન્ટ એપ, ટેલિકોમ કંપનીઓ અને પોલીસ સહિત 1,600થી વધુ સંસ્થાઓ આ પોર્ટલ સાથે જોડાયેલી છે. તેમણે એવો પણ દાવો કર્યો કે આ વ્યવસ્થાની મદદથી 5,000 કરોડ રૂપિયાથી વધુના સંભવિત નુકસાનને અટકાવી શકાયું છે. એપ 23 ભાષામાં ઉપલબ્ધ હોવાનું તેમણે જણાવ્યું.

વડનગરના મ્યુઝિયમને આંતરરાષ્ટ્રીય સન્માન

મોદીએ પ્રવાસ દરમિયાન સ્થાનિક મ્યુઝિયમોની મુલાકાત લેવા લોકોને પ્રોત્સાહિત કર્યા. તેમણે પટનાના બિહાર મ્યુઝિયમને વિશ્વનાં 100 શ્રેષ્ઠ મ્યુઝિયમની યાદીમાં નવમું અને એશિયામાં પ્રથમ સ્થાન મળ્યાનો ઉલ્લેખ કર્યો.

ગુજરાતના વડનગરમાં ઉત્ખનન દરમિયાન જુદા જુદા ઐતિહાસિક સમયગાળાની કલાકૃતિઓ મળી હતી. જ્યાં ઉત્ખનન થયું, એ જ સ્થળે અનંત અનાદિ વડનગર આર્કિયોલોજિકલ મ્યુઝિયમ બનાવાયું છે. ત્યાં ખાસ માર્ગ પરથી જમીનની સપાટીથી કેટલાય મીટર નીચે થયેલું ઉત્ખનન જોઈ શકાય છે; મ્યુઝિયમમાં 5,000થી વધુ પ્રાચીન કલાકૃતિઓ પ્રદર્શિત છે.

મોદીએ જણાવ્યું કે બર્લિનમાં આ મહિને વડનગર મ્યુઝિયમને ડિઝાઇન ક્ષેત્રનો ‘Red Dot: Best of the Best Award’ મળ્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે, આ સન્માન મેળવનાર તે ભારતનું પ્રથમ મ્યુઝિયમ છે. તેમણે વડનગરને હજારો વર્ષોથી જીવંત રહેલા શહેર તરીકે વર્ણવ્યું અને કાશી સાથે તેની સરખામણી કરી.