મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ રાજ્યભરમાં તપાસ કરીને ₹1.97 કરોડથી વધુ કિંમતનો ખાદ્ય જથ્થો જપ્ત કર્યો છે. પાંચ સંસ્થાને કામકાજ બંધ કરવાની નોટિસ અપાઈ છે અને ચાર લાઇસન્સ સ્થગિત કરાયાં છે. કાર્યવાહી પુણે, મુંબઈ, થાણે, પાલઘર અને નાગપુર સહિતના વિસ્તારોમાં થઈ હતી.
નવી મુંબઈના કોપરખૈરણે વિસ્તારમાં આવેલા એક ગોદામમાંથી 97,578 કિલો ભીના ખજૂર અને તજનો જથ્થો મળ્યો હતો. તેની કિંમત ₹1.11 કરોડ આંકવામાં આવી છે. અધિકારીઓએ લેબલિંગ અંગેની શંકા અને ગુણવત્તા સંબંધિત ખામીઓને પગલે જથ્થો જપ્ત કર્યો હતો.
પાલઘરમાં મુંબઈ-અમદાવાદ હાઈવે પર ઊભેલા બે ટ્રકમાંથી 59,496 કિલો લેબલ વગરની સોપારી જપ્ત કરાઈ હતી. તેની કિંમત ₹68.71 લાખ હોવાનું જણાવાયું છે. જપ્ત કરાયેલો જથ્થો સીલ કરીને FDAની કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.
સોલાપુર જિલ્લાના અક્કલકોટમાં અસ્વચ્છ સંગ્રહ અને લેબલિંગની ખામીઓને પગલે 829 કિલો કાંડી પેંડા અને હલવો જપ્ત કરાયો હતો. તેની કિંમત ₹2.50 લાખ હતી. ત્યાંની ચાર દુકાનોને બંધ કરવાના આદેશ અપાયા હતા. પુણેની ખાઉ ગલીમાં પણ માન્ય ખાદ્ય સુરક્ષા લાઇસન્સ કે નોંધણી વિના ચાલતી પાંચ ખાણીપીણી સંસ્થાને કામકાજ રોકવાની નોટિસ અપાઈ.
મુંબઈમાં પ્રતિબંધિત ઘટક NMN ધરાવતા ડાયેટરી સપ્લિમેન્ટ્સનો ₹5.59 લાખનો જથ્થો પણ જપ્ત થયો હતો. FDAએ અલગ અલગ સ્થળે સ્વચ્છતા, લેબલિંગ અને ખાદ્ય સુરક્ષા નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરી હતી.
