મહારાષ્ટ્રના મહેસૂલમંત્રી ચંદ્રશેખર બાવનકુળેએ જિલ્લા કલેક્ટરોને દુકાળ નિવારણ માટેના જિલ્લા-વાર પ્રસ્તાવો 15 દિવસમાં તૈયાર કરીને મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવા જણાવ્યું છે. 14 ઓક્ટોબરે દુકાળ અંગેની મંત્રીમંડળ ઉપસમિતિની બેઠકમાં તેમણે પીવાના પાણી માટે ટેન્કરનો ઉપયોગ છેલ્લો વિકલ્પ રાખવા અને પાણીની અછત વધે તે પહેલાં હાલની પાણી પુરવઠા યોજનાઓ કાર્યરત કરવા પર ભાર મૂક્યો હતો.

વીજબીલ બાકી હોવાને કારણે અટકેલી યોજનાઓ માટે 15મા નાણાપંચની રકમ વાપરવા અથવા એકમુશ્ત સમાધાન યોજનાની શક્યતા તપાસવા સૂચના અપાઈ હતી. ટ્રાન્સફોર્મર ન હોવાથી બંધ પડેલી યોજનાઓને વીજ વિભાગે ટ્રાન્સફોર્મર આપવાના રહેશે; અગાઉ કાર્યરત રહી હોય તેવી યોજનાઓને પ્રાથમિકતા આપવાની વાત પણ બેઠકમાં થઈ હતી. ઉપલબ્ધ કૂવાઓનો જાહેર ઉપયોગ, 75થી 80 ટકા પૂર્ણ થયેલી પાણી પુરવઠા યોજનાઓનું કામ પૂરું કરવું, બંધ હેન્ડપંપનું સમારકામ અને હાલના જળસ્રોતોને મજબૂત કરવા પણ કલેક્ટરોને કહેવામાં આવ્યું હતું.

ટેન્કરથી પાણી વિતરણ શરૂ થાય તે પહેલાં ટેન્કર ઍપ અને GPS ટ્રેકિંગ વ્યવસ્થા કાર્યરત હોવી જોઈએ, જેથી વિતરણ પર નજર રાખી શકાય. તળાવો અને જળાશયોમાંથી કાંપ કાઢવા તથા સમારકામનાં કામને પ્રાથમિકતા આપવાની છે. રસ્તાના ચાલુ પ્રોજેક્ટની નજીક આવેલા જળાશયો ઓળખીને ત્યાંથી નીકળતી કાળી માટી રસ્તાના બાંધકામમાં વાપરવાની શક્યતા તપાસવા પણ સૂચના અપાઈ હતી. દુકાળ સંબંધિત કામો માટે જિલ્લા આયોજન સમિતિઓ મારફતે ભંડોળ ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરાશે.

ચારા અને પશુઓ માટેની તૈયારી

બેઠકમાં રજૂ થયેલા હાલના અંદાજ પ્રમાણે ડિસેમ્બર સુધી પશુછાવણીઓની જરૂરિયાત જણાતી નથી. જોકે, જિલ્લાઓએ ચારાની ઉપલબ્ધતાનો હિસાબ કરીને અછત ઊભી થઈ શકે તેવા વિસ્તારો ઓળખવાના રહેશે. ખેડૂતોને ટૂંકા ગાળામાં તૈયાર થતા ચારા પાક ઉગાડવા પ્રોત્સાહિત કરવા, તેના દર જાહેર કરવા અને અંદાજિત માંગ પ્રમાણે જિલ્લા-વાર ઉત્પાદન લક્ષ્યાંક નક્કી કરવા સૂચવાયું હતું.

ચારા આયોજન માટે જિલ્લા કલેક્ટરોની અધ્યક્ષતામાં સમિતિઓ રહેશે. કૃષિ વિભાગ પગલાં અમલમાં મૂકશે અને પશુપાલન વિભાગ તેની દેખરેખ રાખશે. કૃષિ, પશુપાલન અને ગ્રામવિકાસ સહિતના વિભાગોને વાવણીથી વિતરણ સુધીની પ્રક્રિયા આવરી લેતી પ્રમાણભૂત કાર્યપદ્ધતિ (SOP) એક અઠવાડિયામાં તૈયાર કરવા કહેવામાં આવ્યું છે. જ્યાં ચારો વધારાનો હોય ત્યાંથી અછતવાળા પડોશી જિલ્લાઓમાં મોકલવાની યોજના છે. વન વિભાગની જમીન, જળાશયો પાસેની કાંપવાળી જમીન અને સ્વસહાય જૂથોને ફાળવેલી જમીન પર ચારા ઉત્પાદનની શક્યતા પણ રાજ્ય સરકાર તપાસી રહી છે.

પશુપાલનમંત્રી પંકજા મુંડેએ પાણીની અછત ગંભીર બને તે પહેલાં યોજનાઓ કાર્યરત કરવાની જરૂર જણાવી હતી. કૃષિમંત્રી દત્તાત્રય ભરણે કૃષિ અધિકારીઓને ગામસ્તરે પાણી અને ચારા અંગેની માહિતી એકત્રિત કરવા કહ્યું હતું. માછીમારી અને બંદર વિભાગના મંત્રી નિતેશ રાણેએ સિંધુદુર્ગ, રત્નાગિરી અને રાયગઢમાં વધારાના ડાંગર તથા ચારા નજીકના જિલ્લાઓમાં પહોંચાડવાનું સૂચવ્યું હતું.

પાકનુકસાનનું મૂલ્યાંકન ચાલુ

મહારાષ્ટ્રનાં રાહત અને પુનર્વસન વિભાગનાં અધિક મુખ્ય સચિવ વિનિતા વેદ સિંઘલે જણાવ્યું હતું કે પાકનુકસાનનું મૂલ્યાંકન આગામી દિવસોમાં પૂરું કરાશે. ત્યારબાદ કેન્દ્ર પાસેથી દુકાળ સહાય મેળવવા રાજ્યનો આખરી પ્રસ્તાવ ઓક્ટોબરના અંત સુધીમાં મોકલવાનો છે. રાજ્યના 305 તાલુકામાં દુકાળનાં ટ્રિગર-1 અને ટ્રિગર-2 માપદંડમાંથી કયા લાગુ પડે છે તે નક્કી કરવા સર્વે પણ ચાલી રહ્યો છે.